• શનિવાર, 02 મે, 2026

ભુજ-ભીમાસર ફોરલેન અધૂરો ને ટોલ શા માટે ? કોઇક તો બોલો

ભુજ, તા. 1 : ભુજથી ભીમાસર સુધી રૂા. 1050 કરોડની જંગી રકમથી નિર્માણ પામેલા ફોરલેન રોડમાં હજુ કામ અધૂરું છે અને જ્યાં ડામરકામ કરી દેવાયું છે તે પહેલાં જ વરસાદમાં ખાડા પડી ગયા છતાં મહિને રૂા. ત્રણ કરોડથી વધુ ટોલ વસૂલ કરવામાં આવે છે ત્યારે આમઆદમીની આ મુશ્કેલી છે. આ મુશ્કેલી માટે કોઇકે બોલવું જોઇએ ! કોઇપણ વિસ્તારના વિકાસ માટે સૌથી પહેલાં સારી સડક હોવી જોઇએ અને માળખાંકીય સુવિધા વિકસાવવાનો `સારા રસ્તા' એ પ્રથમ પાયો છે એ હકીકત છે, પરંતુ વિકાસનાં નામે સામાન્ય નાગરિકોને જ્યારે લૂંટવાનો પ્રયાસ થતો હોય ત્યારે ચૂપ રહેવું એ પણ ગુનો છે. આપણા નાગરિકો આ સમજે તો સારું. ભુજ-ભીમાસર ફોરલેનનું કામ ત્રણ વરસ ચાલ્યું છતાં રેલડી ફાટક પાસે વચ્ચેનો ટુકડો યથાવત્ છે તો ભીમાસર ગામ પાસે ઓવરબ્રિજનું કામ પૂરું થયું નથી, જે ફોરલેન કરાયો છે. તેમાં અંજાર સુધી તો વચ્ચે ખાડા-ખાડા જ છે. ભુજ-ભીમાસર માર્ગની લંબાઇ આમ તો 59 કિ.મી. છે. ત્રણ વર્ષથી વધારે સમય વીત્યો છતાં કામ પૂર્ણ કરાયું નથી. રેલડી પાસે ઓવરબ્રિજ બનતાં એકાદ વર્ષ નીકળી જાય તેમ છે ત્યારે વાહનચાલકો કહે છે, ખાડાવાળો-અધૂરો રોડ છતાં અમારી પાસેથી ટોલ વસૂલવામાં આવે છે. ક્યાંનો નિયમ છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાનાં કારણે તેના નિયમો રાજ્ય ધોરીમાર્ગ કરતાં અલગ હોય, પણ આ સામાન્ય નાગરિકો પાસેથી ખોટી રીતે ટોલરૂપે થતી લૂંટ બંધ કરવામાં આવે તેવી માંગ છે. અહીંથી દૈનિક કેટલાં વાહનો દોડે છે આ અંગેની તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું કે 24 કલાકમાં પાંચ હજારથી વધારે નાનાં-મોટાં વાહનો દોડે છે જેમની પાસેથી ભુજ-ભીમાસરના  એક ટોલગેટ પરથી દરરોજ રૂા. 10 લાખ, મહિને રૂા. ત્રણ કરોડની વસૂલાત કરવામાં આવે છે તેવી પણ સત્તાવાર વિગતો રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિભાગમાંથી મળી છે. આ પ્રશ્ન રોજ પસાર થતા પાંચ હજાર પરિવારોનો છે કેમ કે ટોલટેક્સ પસાર થતા દરેક વાહનચાલકે ભરવાનો હોય છે. જો રોડનું કામ અધૂરું હોય-વચ્ચે હજુ મોટા ખાડા પડયા હોય તો ટોલ કેમ વસૂલી શકાય તેવા સવાલ સાથે વાહનચાલકોએ કહ્યું કે, અમારા માટે ચૂંટાયેલા કચ્છના કોઇ નેતાએ અવાજ ઉઠાવવો જોઇએ ને પડતી મુશ્કેલીથી બચાવવા જોઇએ કેમ કે આ એક પ્રકારે લૂંટ છે, પણ અફસોસ એ વાતનો છે કે, કોઇ આ મુદ્દે બોલતું નથી કે વસૂલાત ખોટી રીતે કરવામાં આવે છે. નેતાઓની વાત આવી તો એવી કોમેન્ટે સાંભળવા મળી કે, એમને કે એમનાં વાહનોને કયાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે... સાંગોપાંગ. રોડ સારી રીતે બની જાય, અધૂરાશ પૂર્ણ થઇ જાય તો સ્વાભાવિકે બધા ટોલ આપવા તૈયાર હોય, પરંતુ આવી રીતે કચ્છી કે બિનકચ્છી નાગરિકો પાસેથી ગેરકાયદે ટોલ બંધ કરાવવા કોઇ નેતા આગળ આવે તે જરૂરી છે. 

Panchang

dd