રાપર, તા. 29 : ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની
136મી જન્મજયંતીના અવસરે રાપર
ખાતે યોજાનારી મહારેલી અને શક્તિ પ્રદર્શનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે `ડો. આંબેડકર યુવા ગ્રુપ'ની બેઠકમાં વિવિધ જવાબદારીઓની સોંપણી કરવામાં
આવી હતી. ડો. આંબેડકર યુવા ગ્રુપ, મેઘવાળ સમાજ તેમજ ડો. બાબાસાહેબ
આંબેડકર જન્મજયંતી મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે 14મી એપ્રિલે યોજાનારી મહારેલીના રૂટ, સભાનાં સ્થળ અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં
આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ સવારે 8:30 કલાકે કોર્ટ પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર
પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવશે ત્યારબાદ મહારેલી યોજાશે, જે રાપર શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. બપોરે
12 વાગ્યે દેના બેંક ચોક ખાતે
આયોજિત જાહેર સભામાં વિવિધ વક્તાઓ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો, તેમનું જીવનદર્શન અને સમાજ પ્રત્યેના તેમનાં
યોગદાન અંગે પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવશે. આ બેઠકમાં અશોકભાઈ રાઠોડ, દિલીપભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, કાંતિલાલ રાઠોડ સહિત મોટીસંખ્યામાં યુવા ગ્રુપના કાર્યકરો હાજર રહ્યા હતા.