નવી દિલ્હી, તા.29 : મધ્ય-પૂર્વમાં
ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ખલીફા ઈકોનોમિક ઝોન
અબુ ધાબી (કેઈઝેડએડી) નજીક એક ઈરાની બેલેસ્ટિક મિસાઈલને તોડી પડાયા બાદ તેનો કાટમાળ
પડવાને કારણે યુએઈમાં આજે પાંચ ભારતીયને ઈજા પહોંચી હતી. અબુ ધાબી મીડિયા કચેરીના જણાવ્યા
અનુસાર કેઈઝેડએડી વિસ્તારમાં એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક મિસાઈલને તોડી પાડતાં
તેનો કાટમાળ નીચે પડયો હતો. અધિકારીઓએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ ઘટનામાં પાંચ
વ્યક્તિને સામાન્યથી મધ્યમ પ્રકારની ઈજા પહોંચી હતી. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું
હતું કે ખલીફા ઈકોનોમિક ઝોન અબુ ધાબી વિસ્તારમાં બેલેસ્ટિક મિસાઈલના પડેલા કાટમાળથી
ભારતની રાષ્ટ્રીયતા ધરાવતી પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. સત્તાવાળાઓએ જનતાને અફવાઓથી
દૂર રહેવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે તે માત્ર ચકાસાયેલી માહિતી પર જ વિશ્વાસ કરે
અને અફવાઓને ફેલાવવાનું ટાળે. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું કે લોકોને બિન-ચકાસાયેલી
વિગતો ફેલાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.