ભુજ, તા. 29 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા
કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, ઉચ્ચ શિક્ષણ વિભાગ
- ગુજરાત અને અખિલ ભારત યોગવિદ્યા અને પ્રાકૃતિક જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે `યોગ અને આરોગ્ય' વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન
કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં અધ્યક્ષ તરીકે
યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલ, બીજ વક્તા તરીકે ગો વિશ્વવિદ્યાપીઠમ્ના
પ્રોવોસ્ટ ડો. હિતેશ જાની, અતિથિવિશેષ તરીકે રમેશ વરૂ ઉપસ્થિત
રહ્યા હતા શાબ્દિક સ્વાગત ડો. કશ્યપ ત્રિવેદીએ કર્યું હતું. અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં
ડો. મોહન પટેલે યુનિ.ની પ્રગતિ તેમજ ટૂંકાગાળામાં જ યોજાઈ રહેલ સફળ સેમિનારો વિશે માહિતી
આપી રાષ્ટ્રીય શિક્ષાનીતિ તેમજ ભારતીય જ્ઞાન પ્રણાલીમાં યોગ અને આયુર્વેદને આપવામાં
આવેલું મહત્ત્વ પ્રતિપાદિત કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સા, આરોગ્ય વિશેની જાગૃતિ તેમજ તેની સામે પ્રવર્તતા પડકારો ઝીલી સમાજમાં આરોગ્ય
વિશે પ્રવર્તતી ભ્રમણા દૂર કરી વિશેષ અભિરુચિ કેળવવા માટે આહ્વાન કર્યું હતું. ગો વિશ્વવિદ્યાપીઠમના
કુલગુરુ ડો. હિતેશ જાનીએ આરોગ્ય સંરક્ષણના ઉપાયો તેમજ વિશેષ કરીને પ્રજા વતીથી શરૂ
કરી ભ્રૂણ રક્ષા, નારીનું આરોગ્યાચિંતન વગેરે વિષયોને આવરી બીજ
વક્તવ્ય રજૂ કર્યું હતું. ડો. રમેશ વરૂએ યોગ, સક્રિય ધ્યાન,
થ્રીસ્ટેપ રિધમિક બ્રાધિંગ જેવા અનેક ઉપાયો દ્વારા વર્તમાનમાં જીવવાની
કળા અને તેના માધ્યમથી શરીર અને મનના આરોગ્યની જાળવણીના ઉપાયો દર્શાવ્યા હતા. આભારદર્શન
યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોરે કર્યું હતું. જયપુરથી આવેલા વક્તા ડો. સુરભિ ભગતે સંસ્કૃત
ભાષામાં રહેલી વૈજ્ઞાનિકતા અને તેના વર્ણોના ઉચ્ચારણનાં માધ્યમથી થતા વિવિધ પ્રાણાયામ
વિશે માહિતી આપી હતી. ડો. નિપુણ બૂચે ભારતીય
પારંપરિક ઉદાત્ત જીવનશૈલી પ્રત્યે સમાજમાં પ્રવર્તતી ઉપેક્ષા વૃત્તિ અને તેના પરિણામે
સર્જાતી આરોગ્યની સમસ્યાઓ વિશે માહિતી આપી હતી.
સત્રાધ્યક્ષ ડો. પરેશ મહેતાએ પ્રતિભાગીઓને સક્રિય ભાગીદાર બનાવી બંને વક્તાઓનાં
વક્તવ્યની છણાવટ કરી હતી. સાત બેઠકોમાં 43 જેટલા શોધપત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ડો. મેહુલ શાહ, ડો. અત્રિ રાજગોર, પ્રા.
મેહુલ પુરોહિત, ડો. કીર્તિદા વ્યાસ જેવા સંસ્કૃતજ્ઞોએ સત્રાધ્યક્ષ
તરીકે માર્ગદર્શન કર્યું હતું. અંતિમ સત્રમાં ડો. જયરામ કુશવાહાએ યોગના વિવિધ અંગો
યમ, નિયમ, આસન વગેરે વિશે વૈશ્વિક સંશોધનો
વિશે માહિતી આપી હતી. અધ્યક્ષીય સંબોધનમાં ડો. આલાપ અંતાણીએ વક્તવ્યની છણાવટ કરવાની
સાથે સેમિનારનું સ્વારસ્ય દર્શાવતાં વર્તમાનમાં યોગ અને આયુર્વેદ દ્વારા પ્રશસ્ત કરવામાં
આવેલ જીવનશૈલીની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. સંયોજન પ્રો. કશ્યપ ત્રિવેદી,
ડો. પંકજ ઠાકર, દિનેશ મુંદડાએ સંભાળ્યું હતું.
ડો. શૈલ ચતુર્વેદી, હિમાંશુ લિંબાચિયા, ડો. કોશાબેન મંકોડી વ્યવસ્થામાં સહાયક બન્યા હતા. અંજના રામાનંદી, ડો. ફાલ્ગુની પોમલ, સંસ્કૃત
વિભાગના વિદ્યાર્થીઓ ચેતના રબારી, નયન જેઠવા, મહાવીરાસિંહ સોઢાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.