ગુવાહાટી, તા.29 : છેલ્લા એક દશક સુધી રાજસ્થાન
રોયલ્સના કપ્તાન રહેલો સંજુ સેમસન હવે એ જ ટીમ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમતો
જોવા મળશે જ્યારે સીએસકેનો પાછલો એક દશકનો મહત્ત્વનો ખેલાડી રવીન્દ્ર જાડેજા રાજસ્થાન
રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. જૂના ખેલાડીઓની આ નવી ટક્કર આઇપીએલનો રોમાંચ વધારશે. સંજુ સેમસન દસ વર્ષથી વધુ સમય માટે રાજસ્થાન રોયલ્સનો
કપ્તાન અને સ્ટાર બેટર બની રહ્યો હતો. તેની કપ્તાનીમાં આરઆર ટીમ 2022ની ફાઇનલ સુધી પહોંચી હતી.
સીઝન અગાઉ અદલા બદલીમાં જાડેજા રોયલ્સ તરફથી અને સેમસન સીએસકે તરફથી રમશે. સેમસન હવે સીએસકેના કપ્તાન ઋતુરાજ ગાયકવાડ સાથે
દાવની શરૂઆત કરશે. ધોની અનફિટ હોવાથી બે સપ્તાહ મેદાન બહાર છે. ધોનીનાં સ્થાને 20 વર્ષીય ઓલરાઉન્ડર પ્રશાંત વીરને
તક મળી શકે છે. આ ઉપરાંત 14.20 કરોડમાં ખરીદેલા
કાર્તિક શર્મા પર પણ નજર રહેશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ચિંતા તેની બોલિંગ લાઇન
અપ છે. જો કે આ વખતે આમાં જાડેજાના ઉમેરાથી તેમાં સુધાર જોવા મળી શકે છે. બેટિંગનો
દરોમદાર યશસ્વી જયસ્વાલ, 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશી, નવા કપ્તાન રિયાન પરાગ અને શિમરોન હેટમાયર પર
રહેશે.