• સોમવાર, 30 માર્ચ, 2026

રતનાલ પાસે ટ્રક-છકડાની ટક્કરમાં એકનું મોત

ગાંધીધામ, તા. 29 : અંજારના રતતનાલ બાયપાસ નજીક સામેથી આવતી ટ્રકએ જીતો (છકડો)ને હડફેટમાં લેતાં તેમાં સવાર સંજય રતિલાલ સથવારાનું મોત થયું હતું. તેમના દીકરા તથા અન્યોને ઇજાઓઁ પહોંચી હતી. બીજી બાજુ સાપેડા ખાતે માતાજીનાં દર્શને જઇ રહેલા દામજી મ્યાજર ગાગલ (આહીર) (ઉ.વ. 36)ને કારએ હડફેટમાં લેતા યુવાને અકાળે જીવ ખોયો હતો તેમજ ભચાઉ ખાતે ડમ્પિંગ સાઇટ પર કચરો ખાલી કરતી વેળાએ યાકુબ બહાદુર કટારા (ઉ.વ. 18)ને વીજ આંચકો ભરખી ગયો હતો. ભુજમાં રહેતા ફરિયાદી ગૌતમ મહેશ સથવારા (દેવીપૂજક), સંજય સથવારા, દીપક સંજય સથવારા, વિશાલ રાજેશ સથવારા, વિપુલ ધનજી સથવારા જીતો છકડો નંબર જી.જે. -12-બી.વી.-4435 લઇને ગાંધીધામની શનિવારી બજારમાં જૂનાં કપડાં વેચવા જઇ રહ્યા હતા. દરમ્યાન તા. 28-3ના સવારના અરસામાં તેમને અકસ્માત નડયો હતો. રતનાલ બાયપાસ પાસે કામ ચાલુ હોવાથી છકડો વન-વે રોડ પર ચાલી જી.આર. ઇન્ફ્રા કંપની આગળ પહોંચ્યો હતો ત્યારે સામેથી આવનાર ટ્રક નંબર જી.જે.- 39-ટી.-8645 આ વાહનમાં ધડાકાભેર અથડાઈ હતી જેમાં સવાર તમામને ઇજાઓ પહોંચી હતી. આ પાંચેયને સારવાર અર્થે લઇ જવાતાં સંજય સથવારાને મૃત જાહેર કરાયો હતો. તેમના દીકરા દીપકને ગંભીર ઇજાઓ પહોંચતાં તે બેભાન છે. ટ્રકચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક જીવલેણ બનાવ સાપેડા નજીક આઇમાતા હોટેલ સામે અંજારથી ભુજ જતા રોડ ઉપર બન્યો હતો. અંજારના દબડામાં રહેનાર દામજી ગાગલ નામનો યુવાન સાપેડા ગામે આશાપુરા માતાનાં મંદિરે પગપાળા જઇ રહ્યો હતો. દરમ્યાન પાછળથી  આવતી ઇનોવા કાર નંબર જી.જે.-12- ડી.જી.-9411એ તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે આદિપુર લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. કારચાલક સામે વાલજી મ્યાજર ગાગલ (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ભચાઉના હનુમાન મંદિર પાસે જૂનાવાડામાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. યાકુબ નામનો યુવાન પાલિકા માટેની કચરાની ગાડી લઇ ડમ્પિંગ સાઇડે ગયો હતો. જ્યાં કચરો ખાલી કરતી વખતે હાઇડ્રામાં કચરો ફસાઇ જતાં આ યુવાન કચરો કાઢવા ઉપર ચડયો હતો. દરમ્યાન ઉપરથી પસાર થતી વીજલાઇનમાં અડી જતાં તેને શોક લાગ્યો હતો અને તેનો જીવ ગયો હતો. 

Panchang

dd