નવી દિલ્હી, તા. 29 : નાણા મંત્રાલયે
માર્ચ-2026 માટેનો માસિક આર્થિક સમીક્ષા
અહેવાલ બહાર પાડયો છે. આ અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્રની ગતિ હવે થોડી ધીમી પડી શકે છે, તેનું
સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના
વધતા ભાવ છે. મંત્રાલયે સ્વીકાર્યું છે કે, આ બાહ્ય આંચકાઓને
કારણે, દેશમાં ઉત્પાદન
ખર્ચમાં વધારો થયો છે, જે આર્થિક પ્રવૃત્તિઓ પર દબાણ દર્શાવે
છે. ફેબ્રુઆરી સુધી સ્થિતિ મજબૂત હતી, પણ માર્ચથી બગડવાની શરૂઆત
થઈ છે, સાથેના મોંઘાં તેલને લીધે ફુગાવામાં વધારાના સંકેત છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ફેબ્રુઆરી-2026 સુધી, ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું.
સ્થાનિક માંગ, માળખાગત સુવિધાઓના વિસ્તરણ અને સરકારી નીતિઓની
મદદથી, પુરવઠા અને માંગ બંને મોરચે કામગીરી સારી રહી. ઉત્પાદન
અને સેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ જાળવી રાખવામાં આવી હતી, જ્યારે
વાહન વેચાણ અને ડિજિટલ ચૂકવણીમાં પણ સતત વૃદ્ધિ નોંધાઈ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ-2026થી વૈશ્વિક
પરિસ્થિતિઓ બદલાવાની શરૂઆત થઈ. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ઊર્જા બજારો અને
લોજિસ્ટિક્સ પર ગંભીર અસર પડી છે. આની સીધી અસર ભારતના ઉત્પાદન ક્ષેત્ર પર પડી છે.
રિપોર્ટમાં ઈ-વે બિલ જનરેશનમાં ઘટાડો અને નબળા ફ્લેશ પીએમઆઈ (પરચેઝ મેનેજર ઇન્ડેક્સ)
આંકડાઓનો ઉલ્લેખ છે, જે દર્શાવે
છે કે, અર્થતંત્રની ગતિ મહિના-દર-મહિનાના આધારે થોડી ધીમી પડી
છે. - અર્થતંત્ર પર વધતાં દબાણ પાછળ
આ ત્રણ કારણ જવાબદાર છે. : મોંઘું ક્રૂડ ઓઇલ : વૈશ્વિક બજારમાં તેલના
વધતા ભાવથી કંપનીઓના ખર્ચમાં વધારો થયો છે. લોજિસ્ટિક્સ-વીમો : દરિયાઈ માર્ગોમાં તણાવને
કારણે, નૂર ચાર્જ અને વીમા પ્રીમિયમ વધુ મોંઘા થયા
છે. પુરવઠા શૃંખલા : આવશ્યક ઇનપુટ્સના પુરવઠામાં
વિલંબને કારણે ઉત્પાદન ક્ષેત્રને અસર થઈ રહી છે.
રાહતની વાત એ છે કે, દેશમાં સ્થાનિક માંગ હજુ પણ જળવાઈ
રહી છે. વાહન નોંધણી અને ડિજિટલ વ્યવહારોના ડેટા દર્શાવે છે કે, લોકો ખરીદી કરી રહ્યા છે. જો કે, અહેવાલમાં પણ શંકા વ્યક્ત
કરવામાં આવી છે. મંત્રાલયે નોંધ્યું છે કે,
ગ્રામીણ વિસ્તારોમાં ભાવના થોડી નબળી પડી છે. માંગ અને પુરવઠા વચ્ચેનો
આ તફાવત દર્શાવે છે કે, વર્તમાન મંદી વપરાશના અભાવને કારણે નથી,
પરંતુ વધતા ખર્ચ અને પુરવઠામાં વિક્ષેપોને કારણે છે.