• સોમવાર, 30 માર્ચ, 2026

ગુજરાત સહિત 21 રાજ્યમાં અપાઈ કામચલાઉ મંજુરી : એલપીજી સપ્લાય સામાન્ય : સરકાર

નવીદિલ્હી, તા. 29 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રુડ તેલ અને ગેસનો વૈશ્વિક પુરવઠો ખોરવાયો છે જેનાથી અનેક દેશ ઈંધણ સંકટનો સામનો કરી રહ્યા છે. ભારત પણ આ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે દેશમાં ફરી કેરોસીનના આગમનના દ્વાર ખુલ્યા છે. કેન્દ્ર સરકારે ઘરો સુધી કેરોસીનની પહોંચ સુગમ બનાવવા પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સના નિયમોમાં કામચલાઉ ઢીલ આપી છે. દરમ્યાન સરકારે ફરી એક વખત દેશમાં એલપીજી સપ્લાય સામાન્ય હોવાની ધરપત આપી હતી. કેન્દ્ર સરકારે આજે ગેઝેટ પરિપત્ર દ્વારા જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) હેઠળ 60 દિવસ માટે સુપીરિયર કેરોસીન ઓઈલ (એસકેઓ)ની એડ-હોક આપૂર્તિને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે. પસંદ કરેલા પેટ્રોલ પંપો પરથી કેરોસીન મળી શકશે. દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરોની સપ્લાય સામાન્ય હોવાનું આજે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું. શનિવારે 55 લાખથી વધુ એલપીજી સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 64,000 પાંચ કિલોગ્રામના ફ્રી-ટ્રેડ સિલિન્ડરોનું વેચાણ પણ થયું હતું. મંત્રાલયના જણાવ્યા મુજબ, કોઈપણ એલપીજી વિતરક પાસે સ્ટોક ખતમ થવાની (ડ્રાય-આઉટ) કોઈ માહિતી નથી. ઉદ્યોગ સ્તરે એલપીજી સિલિન્ડરોનાં ઓનલાઇન બાકિંગમાં 94 ટકાનો વધારો થયો છે. વિતરકોના સ્તરે કોઈપણ પ્રકારની ગડબડ ટાળવા માટે, ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ આધારિત ડિલિવરીનું પ્રમાણ ફેબ્રુઆરીમાં 53 ટકાથી વધીને 84 ટકા થઈ ગયું છે. સરકાર દ્વારા જણાવાયું છે કે તમામ રિફાઇનરીઓ ઊંચી ક્ષમતા પર કામ કરી રહી છે અને કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઘરેલુ વપરાશને ટેકો આપવા માટે રિફાઇનરીઓમાંથી એલપીજીનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દેશભરમાં તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કાર્યરત છે.  સરકારે ગ્રાહકોને એલપીજી બાકિંગ ઓનલાઇન કરવા અને એલપીજી વિતરકો પાસે જવાથી બચવા વિનંતી કરી છે.  

Panchang

dd