રાપર, તા. 29 : એક સક્રિય ધારાસભ્ય તરીકે વાગડનું પછાતપણું દૂર કરવા માટે રોડ-રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય
જેવા વિકાસકામો કરવા મથતાં રાપરનાં ધારાસભ્યના
પ્રયત્નોથી વાગડ નવાં નવાં વિકાસનાં આયામો સર કરતું જાય છે. ધારાસભ્ય બન્યા
છે ત્યારથી કોઈ દિવસ લાખો કરોડોનાં વિકાસકાર્યો વગર ખાલી નહીં ગયો હોય તેમ વિકાસકામોના
ખાતમુહૂર્ત સમારોહમાં વ્યક્ત કરાઈ હતી. વાગડનાં રાપર તાલુકાનાં પ્રાગપર- કીડિયાનગર-ઘાણીથર
રોડનાં 23 કીમી અને ધબડા 2 કીમી એપ્રોચ રોડનાં 19.90 કરોડનાં, ભીમાસર ગામનાં 2 કીમી લાંબા અને 10 મીટર પહોળા રોડનાં 6.6 કરોડનાં, ડાભુંડા ટીંડલવા 5 કીમી રોડનાં રિસરફેસીંગ કામનાં 1.75 કરોડનાં, ફતેહગઢ પ્રાથમિક શાળાનાં 6, શિવગઢ પ્રાથમિક શાળાનાં 5, ફતેહગઢનાં હરિપર પ્રાથમિક શાળાનાં
2 ઓરડાનાં 2.70 કરોડનાં અને રૂપિયા 56 લાખનાં ખર્ચે ગેડી કન્યાશાળાનાં
રિપેરિંગનાં એમ કુલ 30.75 કરોડનાં ખર્ચે
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા મંજૂર થયેલા વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત ધારાસભ્ય
વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. કાનપર ખાતે લીંગ માતાજીનાં મંદિરે આયોજિત
સમારોહનું ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં
આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં ભાજપનાં કચ્છ જિલ્લા પ્રભારી ફલજીભાઈ
ચૌધરીએ વાગડનાં વિકાસમાં ધારાસભ્યનાં સક્રિય પ્રયત્નોથી વાગડનું પછાતપણું દૂર થશે તેમ
જણાવ્યું હતું. 1950-60 માં
નર્મદા યોજના સ્વપ્નવત્ લાગતી હતી અને લોકોએ આ યોજનાથી માંડી વાળ્યું હતું. સરકારનાં
આયોજન અને ધારાસભ્યનાં સક્રિય પ્રયત્નોથી આજે એ જ યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે અને
ઘરેઘરે પેયજળ પહોંચતું થયું હોવાનું ઉમેર્યું
હતું. જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ અને રાપર તાલુકાનાં પ્રભારી વિકાસભાઈ રાજગોરે જણાવ્યું
હતું કે જ્યારથી વીરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે ત્યારથી કોઈ દિવસ ખાલી નહીં ગયો
હોય કે વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ
ન થયું હોય! કમાન્ડ એરિયામાં ન આવતાં વાગડનાં 57 ગામોને ધારાસભ્યનાં પ્રયાસોથી
નર્મદાનાં નીર નસીબ થશે. આ વિકાસકામોને છેવાડાનાં માનવી સુધી પહોંચાડવા પક્ષ ના સ્થાપના દિવસે દરેક ઘરનો સંપર્ક કરી, પત્રિકા આપી, ઘરેઘરે પાર્ટીનો
ધ્વજ ફરકાવવા બંને વક્તાઓએ કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ
મોદીની `મન કી બાત' ઉપસ્થિત સૌએ સાંભળી હતી. આ પ્રસંગે રાપર તાલુકા
સહ પ્રભારી વસંતભાઈ કોડરાણી, હમીરજી સોઢા, નશાભાઈ દૈયા, રાજુભા જાડેજા, વણવીરભાઈ
સોલંકી, કાનજીભાઈ ગોહિલ, રામજીભાઈ સોલંકી,
રાજેશ આહીર, જયદીપસિંહ જાડેજા, કાનજીભાઈ પટેલ, ડોલરરાય ગોર, મોહનભાઈ
બારડ,માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેર એસ.પી.રામજીયાણી,
બળવંતભાઈ ઠક્કર, વિનુભાઈ થાનકી, મહિલા મોરચાનાં દક્ષાબેન ઠક્કર સહિત વિવિધ ગામોનાં સરપંચો, રાજકીય, સામાજિક આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો
ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ અને આભારવિધિ
મહાદેવભાઈ ભૂષણે કરી હતી.