મહેશ સોની દ્વારા : માધાપર (તા. ભુજ), તા. 29 : સત્ય-પ્રેમ-કરુણાના
સૂત્ર સાથે માધાપરની ભૂમિ પર નવદિવસીય માનસ મુકુરાષ્ટક રામકથા-974ના પૂર્ણાહુતિ પ્રસંગે કથાકાર
મોરારિબાપુએ અંત:કરણના અરીસાને સાફ કરવાના ઉપાય જણાવતાં કહ્યું હતું કે, સુખ કી કલિયા, દુ:ખ કે
કાંટે - મન સબ કા આધાર. રામ ભક્તિજળથી અંત:કરણનો અરીસો શુદ્ધ થાય, અંત:કરણને સુખ આપવા માટે રઘુનાથ ગાથા અને શાંત કરવા સ્વાન્ત: સુખાય. ત્રિભુવન
ખેતર ખાતે કથા વિરામ પ્રસંગે નિમિત્તમાત્ર યજમાન પરિવાર સાથે કથા આયોજનરૂપી સેવાયજ્ઞમાં
આહુતિ આપનારા મહિના-બે મહિનાથી તન-મન-ધનથી જોડાનારા આયોજકો, વ્યવસ્થાપકો,
સ્વયંસેવકો, સિક્યુરિટી ટીમ સહિતના કથા આયોજનને
પાર પાડનારા સર્વે કડીરૂપ ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કરી કથા પ્રસંગની ધારા વહાવી,
કથા પ્રસંગોનું વર્ણન કરતાં બાપુએ જણાવ્યું હતું કે, તુલસીદાસજી કહે છે કે, ભગવાનની કથા અંત:કરણના અશીસાને
સાફ કરે છે. જેમ અરીસામાં ધૂળ ચડી હોય તો કપડાંથી સાફ થાય, પણ
અરીસા પર દાગ પડી ગયા હોય તો પાણીના છાંટાથી સાફ કરવો પડે તેમ અંત:કરણના અરીસાને સાફ
કરવા અમૃતરૂપી પાણીનો છંટકાવ અર્થાત રામનું રણટ જરૂરી છે. રઘુપતિની ભક્તિ જ અરીસો સાફ
રાખે છે. સ્વચ્છ, મધુર અને શીતળ પાણીનો સ્વભાવ છે જ્યારે જળના 16 લક્ષણો છે તે સમજાવતાં જળભેદ પ્રકરણ વિશે વર્ણન કર્યું હતું.
પ્રેરણાદાયી જળના ગુણો દર્શાવી યુવા ભાઈ-બહેનોને આ પ્રક્રિયા ધીરે-ધીરે થશે તેમ સમજાવ્યું
હતું. શનૈ: પન્થા: શનૈ: કન્યા શનૈ: પર્વતલંઘનમ, એમ ધીરે ધીરે ભક્તિમાં લીન થવું, યુવાનોને કોઈ કાર્ય
બાકી ન હોય અને રાત્રે ઊંઘ ન આવે તો હરિસ્મરણ કરવા શીખ આપી હતી. અગ્નિને શાંત કરવા
જળ જરૂરી છે, તેવી રીતે ઉગ્ર સ્વભાવને શાંત કરવા રામભક્તિનું
જળ પીવું જરૂરી છે. બાપુએ સરળ ભાષામાં આ નવ દિવસીય કથા સંવાદ દ્વારા શ્રોતાઓનાં મનના
અરીસા સુધી પહોંચવાની કોશિશ કરી ત્યારે રામકથા દ્વારા શ્રોતાઓના ચહેરામાં શ્રીરામનાં દર્શન થયાં તેમ જણાવ્યું હતું. કથા વર્ણન
આગળ વધારતાં રામ રાજ્યાભિષેક, 14 વર્ષના વનવાસી રામના વિયોગમાં દશરથ રાજાએ શરીર ત્યાગ્યું. સીતાહરણ, શબરીના આશ્રમે શ્રીરામનાં પગલાં, હનુમાનજી દ્વારા લંકાપ્રવેશ, વિભીષણનો દેશનિકાલ અને રામનું
શરણ, રામેશ્વરની સ્થાપના સહિતના વર્ણનો સાથે સીતા સાથે રામનું
રાજતિલક કર્યું. સીત માતા લવ-કુશને વનમાં જન્મ
આપે છે. ભગવાન શિવ કથાને વિરામ આપે છે. નિમિત્તમાત્ર મનોરથી ધીરેશ મનજી દબાસિયા પરિવાર
દ્વારા નવદિવસીય રામકથાના સુવ્યવસ્થિત આયોજન સાથે રાતદિવસ ખડેપગે સેવામાં જોડાઈ અનેકના
અંત:કરણને શુદ્ધ કરનાર આ અવસર ભક્તિનો પ્રકાશ પ્રગટાવનારો બની રહ્યો હતો. તેમની સેવા-ભાવનાને
પૂર્ણાહુતિ પ્રસંગે બિરદાવાઈ હતી. આ કથામાં સેવાની કડીરૂપ ભુજ નગરપાલિકા, ફાયર બ્રિગેડ, કચ્છી લેવા પટેલ સમાજ, મેડિકલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ- ડોકટરની ટીમ-માધાપર પોલીસ સ્ટેશનનો પોલિસ સ્ટાફ,
પી.આઈ., જી.ઈ.બી. સ્ટાફ, દરેક ક્ષેત્રના કર્મચારી, પીવાના પાણી અમૃતજલના અરજણભાઈ
ભુડિયા, રસોઈ સ્ટાફ, શેરડીની રસવ્યવસ્થા-માંડવીના
નાનજીભાઈ, રસોડામાં પીરસવાની સેવા આપનારા લેવા પટેલ મહિલા મંડળ,
આહીર સમાજ-માધાપર, ગઢવી સમાજ-માધાપર, ઔદિચ્ય બ્રહ્મસમાજ, ગુર્જર ક્ષત્રિય સમાજ-માધાપર- કુકમા,
સોની સમાજ-માધાપર, રબારી સમાજ, પિંકસિટીના સેવાભાવી કાર્યકર, પાશ્વનાર્થ, શ્રી હરિપાર્ક, ઐશ્વર્યાનગર, માથામાનગર,
ગ્રીનસિટી, મલવાડી મિત્રમંડળ, પાટ હનુમાનજી મંદિરના કાર્યકર, વિશ્વ હિન્દુ પરિષદના
સેવાભાવી, સમર્પણ મહિલા મંડળ, જલારામ મહિલા
મંડળ, મોગલધામના ભાવિકો, જય સિયારામ ગ્રુપ,
પ્રવીણભાઈ તન્ના, યોગેશભાઈ વેલજીભાઈ ગજ્જર,
હિતેશભાઈ સોની, વિશ્વ હિન્દુ પરિષદના માધાપરના
ભાઈઓ, વીનેશ સાધુ, નાનુભાઈ પટેલ,
હેમંત વાયડા, હરેશ ઠક્કર, નવીનભાઈ રાજા, અનિલ વેલજીભાઈ ગજ્જર, સૂર્યકાંત વેલજીભાઈ ગજ્જર, હીરાલાલ ઠક્કર સહયોગી રહી
નવદિવસીય અખંડ સેવા દ્વારા ભક્તિ, સેવા અને એકતાનું ઉદાહરણ પૂરું
પાડયું હતું. દરમ્યાન ગીર સોમનાથના રહેવાસી
હાલે હાલાઈ નગર માધાપરમાં રહેતા મોરારિબાપુના સાધક પરિવારના ઘરે રામનવમીના દિવસે આવીને
આશીર્વાદ પાઠવ્યા હતા. પરિવારમાં પુત્રી જન્મની ખુશીની વધાઈ આપી હતી. સાધકની તસવીર
પર સ્વહસ્તે સંદેશ લખી સાચા સંતના દર્શન કરાવ્યા હતા.