ગાંધીધામ, તા. 29 : જીએસટીટીએ અને કેડીટીએ દ્વારા
આયોજિત 87મી સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હવે નિર્ણાયક
તબક્કામાં પ્રવેશી છે. અંડર-15 યુવતીઓની
ટીમના સેમિફાઇનલ મુકાબલા નિશ્ચિત થઈ ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રે
દમદાર પ્રદર્શન કરી પોતાને ખિતાબ માટેના મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરી છે, જેનાં પગલે ફાઇનલ માટે રોમાંચક માહોલ સર્જાયો
છે. ટૂર્નામેન્ટમાં ગુજરાતની હાર છતાં સારી લડત
આપી છે. ચર્મી ત્રિવેદીએ શરૂઆતની સ્પર્ધામાં નૈશા રેવાસ્કર સામે કડક ટક્કર આપી
હતી, જ્યારે દાનિયા ગોદિલે બીજા મુકાબલામાં માયરા સાંગેલકરને
સખત પડકાર આપ્યો. હોસ્ટ ટીમ માટે ખાસ ક્ષણ ડબલ્સમાં આવી હતી. જ્યાં ચર્મી અને દાનિયાએ
મળીને આત્મવિશ્વાસ વધારતો વિજય મેળવ્યો હતો. જો કે, અંતિમ સિંગલ્સમાં
મહારાષ્ટ્રે દમદાર રીતે ટાઈ પોતાનાં નામે કરી હતી. પશ્ચિમ બંગાળે એનસીઓઈ સામે 3-0થી સરળ જીત મેળવી પોતાની ઊંડાણ
અને સ્થિરતા દર્શાવી હતી. અંકોલિકા ચક્રવર્તી અને શ્રીજાની ચક્રવર્તીએ કઠિન પરિસ્થિતિમાંથી
શાનદાર વાપસી કરીને પોતાના મુકાબલા જીત્યા અને ત્યારબાદ ડબલ્સમાં મળીને ટાઈ પૂર્ણ કરી
હતી.મહારાષ્ટ્રે આસામ સામે પણ 3-0થી જીત મેળવી
હતી. નૈશા રેવાસ્કરની સીધી ગેમ્સમાં જીત થતાં ટીમને શરૂઆતથી જ ગતિ આપી હતી, જ્યારે માયરા સાંગેલકરની મજબૂત વાપસી થઇ હતી. ડબલ્સ જોડીએ પણ દબાણમાં જીત સુનિશ્ચિત કરી હતી. કર્ણાટકનો રાજસ્થાન સામેનો
3-1નો વિજય કઠિન રહ્યો હતો. પીએસપીબીએ
તામિલનાડુ સામે 3-0થી જીત મેળવી
હતી. જો કે, સ્કોરલાઇન જેટલી સરળ લાગતી
હતી એટલી મેચ નહોતી. અંડર-15 યુવતીઓની ટીમ ઇવેન્ટની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં અનેક પરંપરાગત
શક્તિશાળી ટીમોએ પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પીએસઈબીએ,
કર્ણાટક અને રાજસ્થાને 3-0થી જીત મેળવી હતી, જ્યારે એનસીઓઇ, આસામ અને મહારાષ્ટ્રે 3-1થી જીત મેળવી આગળ વધ્યા હતા.
મહારાષ્ટ્રે હોસ્ટ ગુજરાતને હરાવી આ રાઉન્ડના સૌથી સ્પર્ધાત્મક મુકાબલામાંથી એકમાં
જીત મેળવી હતી. હવે ધ્યાન સિંગલ્સ ઇવેન્ટ્સ તરફ રહ્યું છે. જ્યાં અંડર-11 અને અંડર-13 યુવતીઓના
મુખ્ય ડ્રો શરૂ થઈ ગયા છે, જે નોકઆઉટ
તબક્કાની શરૂઆત સૂચવે છે.