ગાંધીધામ, તા. 29: સર્વ સમાવેશક સમાજની રચના દ્વારા
જ ભારત વિશ્વ વિજય કરશે, તેવી ભાવના
ગાંધીધામમાં અંબાજી મંદિર ખાતે ભારતીય વિચારમંચ અને યુદ્ધ ઉપનિષદ આયોજિત તૃતીય કચ્છ
લિટરેચર ફેસ્ટિવલના પ્રારંભે વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું
હતું અને આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પોતાના વિચારો રજૂ
કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાનનું વિચાર વેલાણું ભારત દ્વારા
વિશ્વને મળેલું ઘરેણુ છે. પૂર્વમાં જ્ઞાન આધારિત ભારત જ વિશ્વગુરુ પદ હતું અને ભવિષ્યમાં
પણ એકાત્મક માનવદર્શનના વિચારથી જ ભારત વિશ્વ પ્રેરણા આપી શકશે તેમ કહ્યું હતું. રામકૃષ્ણ
મઠ-આદિપુરના સ્વામી મંત્રેશાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદના વિચારોને રજૂ કરીને જણાવ્યું
હતું કે, સર્વ સમાવેશક સમાજની રચના દ્વારા જ ભારત વિશ્વ વિજય
કરશે. આ પ્રસંગે સ્વામી ચિન્મય ચૈતન્ય મહારાજે ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા
સંસ્કૃતની અનિવાર્યતા વર્ણવી હતી તથા હર ઘર તક્ષશિલાના પ્રોજેક્ટને આગળ વધારવા સંસ્કૃત
ભાષાના અભ્યાસ પર ધ્યાન આપવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે યુદ્ધ ઉપનિષદના દીપક વાઘાણી,
ભારતીય વિચાર મંચના ધીરેન રાજદે તથા રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બે
દિવસીય લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન અલગ-અલગ વિષયોના 5000થી વધુના પુસ્તકો ડિસ્કાઉન્ટ
ઉપર વેચાણ માટે રાખવામાં આવ્યા છે તેમ ભારતીય વિચાર મંચના સતિષભાઈ મોતાએ જણાવ્યું હતું.