ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી
પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પાડતાં તેમની વિરુદ્ધ
એટ્રોસીટીની ફરિયાદ થઈ હતી અને તેમની અટકાયત પણ કરવામાં આવી હતી, જેનાં પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ
ગાંધીધામ ધસી આવ્યા હતા અને પોલીસ અને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આમ આદમી પાર્ટીના
પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાઈનાતબેન અંસારીની ધરપકડને પોલીસ
અને ભાજપનું ષડયંત્ર બતાવ્યું હતું. કચ્છમાં બેફામ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે,
ખુલ્લેઆમ મળી રહ્યા છે, કાઈનાતબેન અંસારીએ કાર્યકર્તાઓ
અને લોકો સાથે દારૂના અડ્ડા ઉપર રેડ પાડી એ તેમણે તે સમયે ફેસબુક ઉપર લાઈવ પણ થઈ રહ્યું
હતું. જે રેડ પાડી હતી તે જનતા સમક્ષ હતી, તેમ છતાં પોલીસે દારૂના
અડ્ડાઓ બંધ કરાવવાના બદલે ઊલટાની એટ્રોસીટીની ફરિયાદ કરાવીને તુરંત તેમની અટકાયત પણ
કરવામાં આવી હતી. અગાઉ પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખે પોલીસને અને પાર્ટીના પ્રદેશ
અધ્યક્ષને પત્ર મારફતે તેમની ઉપર ષડયંત્ર થઈ રહ્યું હોવાનું કહ્યું હતું, તેવામાં આ જનતા રેડ દરમિયાન તેમની એટ્રોસીટીની ફરિયાદ કરીને તેમની અટકાયત કરવામાં
આવી હતી. જેલમાં તેમને મળવા પણ દેવામાં આવ્યા નથી. પોલીસ ઉપર મિલી ભગતના ગંભીર આક્ષેપો
કરીને ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. સૌથી વધુ દારૂ અને ડ્રગ્સના વેપલા અહીં થઈ રહ્યા
છે. એમ.ડી. ડ્રગ્સ મળી રહ્યું છે, આવા ગંભીર બનાવો બને છે તેમાં
કાર્યવાહી કરવાના બદલે જનતા રેડમાં દારૂના અડ્ડા ઉજાગર કરવામાં આવે છે, તેમાં ફરિયાદો કરીને તેમની સામે કાર્યવાહી કરાય છે, તેમ
જણાવ્યું હતું. કચ્છમાં ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તેમ છતાં પોલીસ દ્વારા ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું કહ્યું
હતું. આ વેળાએ પક્ષના જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.