• રવિવાર, 15 માર્ચ, 2026

માંડવીમાં રાંધણગેસની કોઈ અછત નથી

માંડવી, તા. 14 : અખાતી દેશોમાં યુદ્ધના માહોલ વચ્ચે પેટ્રોલિયમ પેદાશોમાં ગેસ, પેટ્રોલ, ડિઝલ, ક્રૂડ ઓઈલ વગેરેની તંગી સર્જવાની અફવાઓ ફેલાઈ રહી છે, જેના લીધે ગેસવિતરકો પાસે ભીડ જોવા મળી રહી છે, ત્યારે માંડવી તથા અન્ય તાલુકા મથકે ગેસના પુરવઠાની કોઈ જ અછત નથી અને જ્યારે પણ રાંધણગેસ જોઈએ ત્યારે મળી શકે છે, તેવું વિતરણ એજન્સીઓ પાસેથી જાણવા મળ્યું હતું. ઓનલાઈન બુકિંગ થઈ જતાં તરત જ ડિલિવરી આપી દેવાય છે, જેમાં લોકો સહયોગ આપે તેવી અપીલ કરાઈ હતી. વધુમાં હાલમાં ગેસ રિફિલિંગ રજિ.ના મો. 84549 55555 ઉપર મિસકોલ કરી નોંધણી થઈ શકતી હતી, તેમાં હાલમાં મુશ્કેલી સર્જાઈ છે અને રજિસ્ટ્રેશન થઈ શકતું નથી, જે અંગે માંડવીના નિકી ગેસ એજન્સીના અવનીશભાઈને પૂછતાં જણાવ્યું હતું કે, આખા ભારત દેશમાં ગેસની તંગીની અફવાઓના લીધે દરેક ગેસધારકો નોંધણી માટે ફોન કરે છે, જેના લીધે ગેસ બુકિંગના નંબર ઉપર ભારણ વધી જતાં આ સમસ્યા ઉદ્ભવી છે, પરંતુ ઈન્ડિયન ઓઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી રજિસ્ટ્રેશન થઈ શકે છે અને ગેસના પુરવઠાની કોઈ જ તંગી નથી, જે લોકોનું રજિસ્ટ્રેશન થઈ જાય છે, તેને તરત જ ગેસ મળી શકે છે અને નિયમિત 25 દિવસ બાદ ફરી બુકિંગ થઈ શકે છે અને ગેસ તંગીની અફવાઓથી દૂર રહી ગેસ વિતરણ કરતી એજન્સીઓને મદદરૂપ થવા વિનંતી કરી હતી. કોમર્શિયલ ગેસમાં વિશેષ નિયંત્રણ છે, જ્યારે રાંધણગેસમાં કોઈ જ સમસ્યા હાલના તબક્કે નથી તેવું ઉમેર્યું હતું અને ગેસ સિલિન્ડર નિયમિત મળતા રહેવાથી ખોટી ભીડ નહીં કરવા ઉમેર્યું હતું. બીજી તરફ શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજનના રસોડામાં ગેસની તંગી બાબતે સંચાલકો ગેસની તંગીના કારણે કેન્દ્ર બંધ રાખવા કહી રહ્યા છે, પણ વાસ્તવિકતા તે નથી, ગેસ પુરવઠો જરૂરિયાત મુજબ દરેક કેન્દ્રોને ફાળવવામાં આવે છે અને જેનું પણ રજિસ્ટ્રેશન થાય છે, તેને તરત ડિલિવરી મળી જાય છે, જેથી અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. 

Panchang

dd