ભુજ, તા. 14 : ગુજરાત સરકારના મહિલા અને બાળ
વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી `આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ'
અંતર્ગત નખત્રાણા તાલુકામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા
વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડી.ડી.
પંડયાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકામાં બાળકોના પોષણ અને શિક્ષણના સ્તરને સુધારવા
માટે વિવિધ કામગીરી ચાલી રહી છે. નખત્રાણાના તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દિક્ષિત
ઠક્કર અને સી.ડી.પી.ઓ. શાંતાબા ચુડાસમાની આગેવાનીમાં રિનોવેશન અને રિપારિંગ માટે જુદી-જુદી
યોજનાઓ હેઠળ કુલ 45 આંગણવાડી
કેન્દ્રને આયોજનમાં લેવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 21 કેન્દ્રમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 24 કેન્દ્રમાં કામગીરી હાલ પ્રગતિમાં
છે. આ સુધારાથી આંગણવાડીના ભવનો વધુ સુરક્ષિત અને સુવિધાજનક બન્યા છે. તાલુકાના સંકલિત
બાળ વિકાસ યોજના હેઠળ આવતા 198 કેન્દ્ર પૈકી
અનેક કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે આઈ.સી.ડી.એસ.
યોજનાની રિપેરિંગ, રિનોવેશન અને
અપગ્રેડેશનની ગ્રાન્ટ હેઠળ કુલ 22 આંગણવાડી કેન્દ્રના નવીનીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ 13 આંગણવાડી કેન્દ્રના મકાનોનું રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ
થઈ ગઈ છે. સાત આંગણવાડી કેન્દ્રનું હાલમાં નવીનીકરણનું કામ પ્રગતિમાં છે તેમજ બે આંગણવાડી
વર્કઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. બાળકોને પૂર્વ-પ્રાથમિક
શિક્ષણ માટે પ્રોત્સાહક વાતાવરણ મળે તે હેતુથી ખાસ `બાલા પેન્ટિંગ' (ભીંતચિત્રો) કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી
મૂળાક્ષરો, અંકો અને મહિનાના નામોના આલેખન, પશુ-પક્ષીઓના ચિત્રો અને બાળ વાર્તાઓ ભીંતચિત્રો દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક
શિક્ષણ મળી રહે તે માટે શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. છત, બારી-દરવાજા, પ્લાસ્ટર, ફ્લારિંગ
અને કલરકામ જેવી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. કુલ આઠ કેન્દ્રમાં શૌચાલય સમારકામનું આયોજન
હતું, જેમાંથી છ કેન્દ્રમાં કામ પૂર્ણ થયું છે અને બેમાં પ્રગતિ
હેઠળ છે.