• ગુરુવાર, 12 માર્ચ, 2026

ભૂખી નદી પુનર્જીવન : સૌના સાથથી સંકલ્પ કરીએ સિદ્ધ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : વિરાણિયા (તા. મુંદરા), તા. 10 : તાલુકાની ભૂખી નદીને પુનર્જીવિત કરવાનાં મહત્ત્વાકાંક્ષી મહાઅભિયાનના અહીં મંગળવારે મંગલાચરણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને જળસંચય, પર્યાવરણપ્રેમીઓએ નદીને માતા સમાન ગણાવી હતી. આ નવસર્જન કાર્યને ગામલોકો પોતાનું સમજી સહિયારી જવાબદારી લઈને તન- મન-ધનથી કામે લાગી જઈ `સંકલ્પથી સિદ્ધિ' સુધી પહોંચાડવાની હાકલ કરાઈ હતી. - શ્રીફળ વધેરી જળક્રાંતિનો શંખનાદ : કચ્છમાં જળક્રાંતિના શંખનાદ સમાન ભૂખી નદીને પુનર્જીવિત કરવાના `ગ્લોબલ કચ્છ-  કચ્છમિત્ર' દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીનાં માતબર અનુદાનથી સાકાર થઈ રહેલાં આ કાર્યનો મંગળવારે સવારે મુંદરા તાલુકાના વિરાણિયા ગામની ક્ષત્રિય સમાજવાડી ખાતે યોજાયેલા સમારોહ અને બાદમાં ભૂખી નદીના પટ પર જળપૂજન તેમજ શ્રીફળ વધેરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમારોહ બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો, ભૂખી નદીતટ નજીકના અને સમગ્ર તાલુકાનાં વિવિધ ગામના સરપંચો તથા ગામલોકોએ કળશ સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીપટ પર જઈને જળપૂજન કર્યું હતું તેમજ સૂર્ય-જળ વંદના સાથે જેસીબી પર શ્રીફળ વધેરીને કાર્યનો વિધિવત આરંભ કર્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં સફાઈ અભિયાન અને બાદમાં નદીપટની ઊંડાઈ અને પાચિંગનું કામ કરાશે. - `આવનારી પેઢી માટે કરવાનું છે કાર્ય' : આ પ્રસંગે ભૂખી નદી નવસર્જન અભિયાન સંયોજક શક્તિસિંહ મહોબતસિંહ જાડેજાએ સ્વાગત કરતાં જણાવ્યું કે, આપણે ભૂગર્ભજળ બચાવવાનો સંકલ્પ લીધો હતો અને બધા એક પછી એક જોડાતા ગયા. એમાં ગ્લોબલ કચ્છ - કચ્છમિત્ર અને ડીપીએના આર્થિક અનુદાનનો સાથ મળ્યો. હવે આ સંકલ્પને આપણે સૌએ સહિયારી જવાબદારી સમજી પૂર્ણ કરવાનો છે. આ સાથે તેમણે નદી નવસર્જનનાં સમગ્ર આયોજનનો ચિતાર આપી અગાઉ સૂચનો ગ્રાહ્ય રહ્યાં છે અને ભવિષ્યમાં પણ નોંધ લેવાશે તેવી ખાતરી આપી હતી. - ડીપીએની વધુ સહયોગ માટે તૈયારી : કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયાએ આવનારા સમયમાં આઠ નદીનાં નવસર્જનનાં લક્ષ્ય સાથે આરંભાઇ રહેલાં આ પ્રથમ ભૂખી નદી અભિયાનના કાર્યારંભ પ્રસંગ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ કચ્છના મોવડી હાર્દિકભાઈ મામણિયા સંજોગોવસાત નથી આવી શક્યા, પરંતુ તેમણે આ પ્રસંગે શુભકામનાઓ પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ અભિયાન જળક્રાંતિનો ઉત્તમ દાખલો બેસાડશે. આ અભિયાન માટે રૂા. 20 કરોડનું માતબર અનુદાન આપનારા ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘે પણ શુભકામનાઓ પાઠવી હતી અને સંદેશ આપ્યો હતો કે, આવાં શ્રેષ્ઠ કાર્યો માટે ડીપીએ ભવિષ્યમાં પણ હંમેશાં સહકાર આપવા તૈયાર જ છે. - `અનોખી તાસીરની છે ભૂખી' : જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અને ગ્લોબલ કચ્છના કમિટી મેમ્બર મહેન્દ્ર ગઢવીએ કહ્યું કે, ભૂખી નદીની નોખી તાસીર છે, જેવું પાણી સંગ્રહિત કરે છે, એવું જ પાછું આપે છે અને આ જ નદીમાં નવસર્જન થવું એ માટે આપણે ભાગ્યશાળી છીએ. ગામેગામના સરપંચો, આગેવાનોજળસંચયપ્રેમીઓ આપણા બધાની આ કાર્યમાં હકારાત્મક સહયોગની જવાબદારી છે. આ મારું પોતાનું કામ છે એવો ભાવ રાખજો. કચ્છમાં નર્મદા જળ મળવા માટે અભિયાન ચલાવી ચૂકેલા વોટરમેન તરીકે જાણીતા કચ્છી દાનવીર સ્વ. દામજીભાઈ એન્કરવાલાના મુંબઈ અને કચ્છના મહાઅભિયાનોને તેમણે યાદ કરીને ઉમેર્યું કે, વતનપ્રેમથી આવું કાર્ય થઈ ચૂક્યું છે, તો અહીં આપણા સૌની સહિયારી જવાબદારી વધી જાય છે. ગ્લોબલ કચ્છના ટ્રસ્ટી ઊર્મિલ ગાલા, કમિટી મેમ્બર જયંતીભાઈ મામણિયા, કચ્છમિત્ર મુંદરા હેડ દિવ્યેશ વૈદ્ય, બીવીએસ કન્સ્ટ્રક્શન કંપનીના રમેશ હડિયા, અમન કન્સ્ટ્રક્શનના મનોજ જોશી, વેરસલજી દાદાએપીએમસીના ડાયરેક્ટરો બળવંતાસિંહ જાડેજા, થાવરભાઈ રબારી, જટુભા પ્રાગજી જાડેજા, મંગરા સરપંચ ચંદ્રાસિંહ જાડેજાભોરારા સરપંચ અરાવિંદાસિંહ જાડેજા, મહેસોજી જાડેજાધીરૂભા સોઢા, કારાઘોઘા, મોટા કપાયા સરપંચ નવલાસિંહ પઢિયાર, સુરા રબારી બોચાલાખાપર સરપંચ હેતુભા જાડેજા, લાખાપર પૂર્વ ઉપસરપંચ દિગુભા જાડેજા, ટપ્પર સરપંચ રઘુભા જાડેજા, નવીન દેઢિયા-પ્રાગપર, પત્રી સરપંચ ભરત આહીર, ટોડા ઉપસરપંચ ગજેન્દ્રાસિંહ જાડેજા, કારાઘોઘા, બોચા સરપંચ મુકેશ શેઠિયા, જિલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ કરણ ભૂપેન્દ્રભાઈ મહેતા, વાંકી ઉપસરપંચ રાજેશ મહેશ્વરી, બટુકાસિંહ જાડેજા-લાખાપર, બરાયા સરપંચ મનહરાસિંહ જાડેજા, કિરણ ધરોડદ-વાંકી, મનોજ ગઢવી - ભુજપુરપ્રતાપાસિંહ પઢિયાર - મોટા કપાયા, વિરાણિયા સરપંચ સ્વરૂપસિંહ જાડેજા, સદસ્ય જીતુભા જાડેજા, મમુભા જાડેજા, ભૂપતસિંહ જાડેજા, અનિલસિંહ જાડેજા, ન્યાય સમિતિ ચેરમેન મણશી મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોબલ કચ્છના સીઇઓ અરુણ જૈને શુભેચ્છા પાઠવી હતી. જિંદાદિલ શૈલીમાં સંચાલન જયંતીભાઈ શેઠિયાએ કર્યું હતું. - વિરાણિયાના રાઘવજીભાઈનો નદીપ્રેમ : 11,000નું યોગદાન : વિરાણિયા, તા. 10 : મુંદરા તાલુકાની ભૂખી નદી પ્રત્યેનો લોકોનો પ્રેમ કેવો છે તેનો દાખલો આજે વિરાણિયાના કાર્યક્રમમાં છલકાયો હતો. વિરાણિયા ગામના વતની રાઘવજીભાઈ મહેશ્વરીએ આ જળસંચય અભિયાનમાં રૂા.  11,000નું યોગદાન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ તેમને બિરદાવતાં કહ્યું કે, રકમ મહત્ત્વની નથી હોતી. આ નદીમાતા પ્રત્યેના પ્રેમની ભાવના છે. સૌ જે રીતે બને એ રીતે તન-મનથી પણ આ જળસંચય કાર્યમાં જોડાઈ જાવ. 

Panchang

dd