ગિરીશ જોશી તરફથી : કનોજ (તા. લખપત), તા. 10 : સાસણ કે ગીરમાં
દરરોજ હજારો પ્રવાસીઓ સિંહદર્શન કરવા જાય છે, તેમ આવનારા દિવસોમાં કચ્છના લખપત તાલુકામાં અભયારણ્ય જાહેર થયેલા નારાયણ સરોવર
વિસ્તારમાં ખતરનાક પ્રાણી દીપડા ફરતા હશે, તેને ભવિષ્યમાં નિહાળવા
પણ હજારો પર્યટકો આવતા હશે એ દિશામાં અત્યારથી જિલ્લાના વન વિભાગ તરફથી કામગીરી ચાલુ
છે. એક બાજુ કચ્છને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધોરડો અને ધોળાવીરાને પ્રવાસન ક્ષેત્રે નામના
મળી છે અને માન્યતા પણ મળી છે, બીજી બાજુ કચ્છના ઇકો ટૂરિઝમને
વિકસાવવા પ્રયાસો શરૂ કરાયા હોવાથી કચ્છની છારીઢંઢ સાઇટને પ્રથમ રામસર સાઇટ જાહેર કરવામાં
આવી છે, ત્યારે પક્ષીઓ-પ્ર્રાણીઓને નિહાળવા, પ્રવાસીઓને ભવિષ્યમાં આવકારવા કચ્છ સજ્જ થાય છે. - ધુણાયની હદમાં : `કચ્છમિત્ર'ની ટીમ કનોજ બસ સ્ટેશન પાસેથી વન વિભાગના ભોમિયા
સાથે ધૂળિયા માર્ગે ગાંડા બાવળોની વચ્ચેથી પસાર થઇ ધુણાય વન તંત્રની હદમાં આવેલાં દીપડા
સંવર્ધન કેન્દ્રમાં પહોંચી હતી. - ભયાનક અવાજ સંભળાયો : અમારી ટીમ
જ્યારે આ સંવર્ધન કેન્દ્ર પાસે પહોંચી તો અફાટ જંગલ વચ્ચે હિંસક પ્રાણીઓનો ડરામણો અવાજ
આવતો હતો, જે દીપડાની ગર્જના હતી. અહીં મળેલા ફોરેસ્ટર
શૈલેશ પટેલે 20 ફૂટ ઊંડા
એન્કલોઝર પાસે લઇ ગયા હતા. કૂવા આકારનાં આ સંવર્ધન કેન્દ્રની ઊંડાઇ 20 ફૂટની હોવાથી દીપડા તેને કૂદી
શકે તેમ નથી, એમ તેમણે જણાવ્યું હતું.
- 20 ફૂટ ઊંડાઇ : એક તરફ દીવાલમાં દીપડા સ્વતંત્ર રહી શકે
એ માટે 13 પીંજરા બનાવાયા હતા, જેને દીવાલ ઉપરથી ખોલવામાં આવતાં તંદુરસ્ત હિંસક
પ્રાણી બહાર આવ્યા હતા. - અનોખું એન્કલોઝર
: કૂવાની અંદર એક ટેકરા જેવું અને તેના ઉપર
પ્રાણીઓને છાંયડો મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આર.એફ.ઓ. પ્રિયકાંત આશરાએ
જણાવ્યું કે, અત્યારે 13 દીપડા છે, 10 વર્ષથી વધુ
આયુવાળા છે. સાસણના જામવાડા વિસ્તારમાંથી લાવવામાં આવેલા આ હિંસક દીપડા આમ તો થોડી
સજા કાપી રહ્યા છે. - હુમલા કરી
ચૂક્યા : ત્યાં માણસો ઉપર હુમલા કરી ચૂકેલા હોવાથી
હવે તેમને જંગલમાં રહી શકે તેવી તાલીમ આપવામાં આવતી હોવાથી સંપૂર્ણ નજર રાખવામાં આવે
છે, દૈનિક ત્રણ કિલ્લો ખોરાક આપવામાં આવે છે. ઝઘડે
છે 13 છે, પણ એક સાથે બહાર કાઢવામાં નથી આવતા,
કેમ કે, ઝઘડે છે, એટલે ધ્યાન
રાખવું પડે છે અને ભેગા થવા દેવામાં આવતા નથી. - સફારીનું આયોજન : આવનારા દિવસોમાં ધુણાય વન વિસ્તારમાં દીપડા
સફારી કરાવવાની વિચારણા છે અને વન વિભાગે દરખાસ્ત કરી હોવાની વિગતો નાયબ વન સંરક્ષક
હર્ષ ઠક્કરે આપી હતી, તેમણે જણાવ્યું
કે, `લેપર્ડ સફારી' માટે વિકાસ કરવામાં આવી રહ્યો છે. - અત્યારે જોવા ન મળે : દરમ્યાન શ્રી
ઠક્કરે કહ્યું કે, અત્યારે દીપડા
નિહાળવાનું કોઇ આયોજન નથી, એટલે સામાન્ય પર્યટકો ગેરમાર્ગે દોરાય
નહીં, હજુ આ તમામ દીપડા એક પ્ર્રકારે ક્વોરેન્ટાઇન હોવાથી તેમની
દેખભાળ રાખી સાચવવામાં આવે છે. એક પ્રકારની રહેણીકરણીની તાલીમ આપવામાં આવે છે. - સાઇન બોર્ડ લાગશે : કનોજથી અંદર ધુણાય તરફ જતા રસ્તાની કોઇ
માર્ગદર્શિકા નથી, અમને પણ વનતંત્રના
ભોમિયાનો સહારો લેવો પડયો હતો. આ મુદ્દે શ્રી ઠક્કર કહે છે કે, કનોજ પાસે સાઇન બોર્ડ લગાડવાનું પણ આયોજન છે. અમુક શરતો બાકી છે, પ્રક્રિયા પૂર્ણ થતાં ધુણાય વન વિસ્તાર વિકસી જશે અને ત્યાં સુધી તમામ પ્રક્રિયા
પણ પૂર્ણ કરી દેવાશે. - પક્ષી-પ્રાણી
દર્શનની સર્કિટ બનાવવાં આયોજન : કનોજ,
તા. 10 : નાયબ વનસંરક્ષક
હર્ષ ઠક્કરે જણાવ્યું કે, ભવિષ્યમાં
`લેપર્ડ સફારી' માટે મંજૂરી આપવા પ્રવાસન વિભાગ સમક્ષ દરખાસ્ત
કરવામાં આવી છે. લેપર્ડ સફારી માટે જરૂરી માળખાંકીય સગવડો વિકસાવવા ખાસ કરીને સેન્ટર
સુધી રસ્તા બનાવવા અને સફારીનો રૂટ વગેરે માટે આયોજન ચાલે છે. અહીં પર્યટકો આવે તો
જંગલ વિસ્તાર હોવાથી પ્રવાસનને લગતી તમામ સુવિધાઓ ઊભી કરવા પત્રમાં માગણી કરવામાં આવી
છે. રામસર સાઇટ
હોય કે લેપર્ડ સફારી આ બધું એક સર્કિટમાં ઉપરાંત પડાણા બેટમાં ચેરિયાં સંવર્ધન કેન્દ્ર
વગેરે પણ આવી જાય એ દિશામાં આગળ વધવાનું આયોજન છે,
પણ આ બધું વિકસાવવું પ્રવાસન વિભાગનું કામ છે. - પૂરક વિગત : વિશ્વનાથ જોષી