• ગુરુવાર, 12 માર્ચ, 2026

`સફળતા મેળવવી હોય તો સંઘર્ષથી ભાગો નહીં, જેટલી મહેનત તેટલી પ્રગતિ'

મુલાકાત - પૂર્વી ગોસ્વામી :  કચ્છની દીકરીઓ આજે દેશ-વિદેશમાં પોતાની પ્રતિભાનો પરચો આપી રહી છે. આવી જ એક ગૌરવપૂર્ણ ઓળખ ધરાવે છે ભુજ તાલુકાના કાળી તળાવડીની પૂજા આહીર (પટેલ). ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાઈલટ તરીકે સ્થાન મેળવનાર પ્રથમ કચ્છી યુવા દીકરી તરીકે તેણે માત્ર કચ્છ કે ગુજરાતનું નહીં, પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં તે ઇન્ડિગો એરલાઇન્સમાં કેપ્ટન તરીકે ફરજ બજાવી રહી છે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં 8-8 વર્ષનો અનુભવ ધરાવતી પૂજાએ મહિલા દિવસ સંદર્ભે કરેલી વાતચીતના મુખ્ય અંશ... - પાઈલટ બનવાનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો? : બાળપણથી જ મને આકાશમાં ઉડાન ભરતાં વિમાનો ખૂબ આકર્ષતા, ત્યારે મનમાં વિચાર આવતો કે એક દિવસ હું પણ પાઈલટ બનીશ. એ કારણસર દસમા ધોરણ પછીથી જ એવીએશન ક્ષેત્ર વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું અને એ જ દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો. - તમારા શિક્ષણ અને ફ્લાઈંગ ટ્રેઈનિંગ વિશે જણાવશો ? : ગાંધીનગરની શાળામાં અભ્યાસ કરીને બારમું સારા માર્ક્સ સાથે પાસ કર્યું, ત્યારબાદ મેં ઘરે કહ્યું કે, મને અમેરિકા જઈને ફ્લાઇંગ ટ્રેઈનિંગ લેવી છે. શરૂઆતમાં પરિવારને થોડી ચિંતા હતી, કારણ કે, તે સમયે મારી ઉંમર માત્ર 17 વર્ષની હતી, પરંતુ મારી લગન અને આત્મવિશ્વાસ જોઈને તેઓએ મને મંજૂરી આપી અને એ પછી મેં જાતે પાસપોર્ટ બનાવ્યો અને અમેરિકાના એટલાન્ટામાં આવેલી એવીએશન ફ્લાઇંગ સ્કૂલમાં પ્રવેશ લીધો. ત્યાં અમેરિકન કોચ સર જોન પાસેથી તાલીમ લીધી. માત્ર 14 કલાકની ટ્રેઈનિંગમાં જ મેં સોલો ફ્લાઇંગ માટે લાયકાત મેળવી અને લગભગ 250 કલાકનું ઉડ્ડયન અભ્યાસ દસ મહિનામાં પૂર્ણ કરી દીધું, આવું અસામાન્ય ધોરણે થતું હોય છે. વર્ષ 2008માં કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ મેળવીને ભારત પરત આવી. - વિદેશમાં ટ્રેઈનિંગ દરમિયાન કઈ મુશ્કેલીઓ આવી? : શરૂઆતમાં ખાવા-પીવાની ઘણી તકલીફ પડતી. કારણ કે, મને રસોઈ આવડતી નહોતી, પરંતુ જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે આવી મુશ્કેલીઓ કોઈ ખાસ અવરોધ બની શકે નહીં. મહેનત અને સંકલ્પ હોય તો દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. - ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં જોડાવાનો અવસર કેવી રીતે મળ્યો ? : તે સમયે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ભરતીની જાહેરાત આવી હતી. મારા પિતાનું સપનું હતું કે, હું ગેઝેટેડ ઓફિસર બનું એટલે મેં અરજી કરી અને 2010માં હું શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર તરીકે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બની ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં જોડાઈ. ત્યારબાદ કેરળની ઇન્ડિયન નેવલ એકેડેમીમાં છ મહિનાની કઠોર મિલિટરી ટ્રેઈનિંગ લીધી. - આ ટ્રેઈનિંગનો અનુભવ કેવો રહ્યો ? : મિલિટરી ટ્રેઈનિંગ ખૂબ જ પડકારજનક હોય છે, પરંતુ સ્કૂલ સમયથી જ હું સ્પોર્ટ્સમાં સક્રિય હતી. એથ્લેટિક્સમાં ભાગ લેતી અને બાસ્કેટબોલ ટીમની કેપ્ટન પણ રહી હતી. એ `સ્પોર્ટી એટિટયુડ' મને ટ્રેઈનિંગ દરમિયાન ખૂબ મદદરૂપ બન્યો. - તમારું પ્રથમ પોસ્ટિંગ ક્યાં થયું ? : ટ્રેઈનિંગ બાદ મારું પ્રથમ પોસ્ટિંગ ગુજરાતના પોરબંદર ખાતે થયું. પેટ્રાલિંગ દરમિયાન જ્યારે કચ્છ વિસ્તારમાં ઉડાન ભરવાની તક મળતી ત્યારે વતનની યાદ ખાસ આવતી. - કોસ્ટગાર્ડમાં કોઈ નોંધનીય કામગીરી ? : કોલકાતા અને દમણમાં પોસ્ટિંગ દરમિયાન અનેક ઓપરેશનોમાં ભાગ લીધો. ભારત-બાંગલા બોર્ડર નજીક આવેલાં વાવાઝોડાંમાં લગભગ 200 જેટલા માછીમારોને બચાવવા માટે થયેલા સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ ઓપરેશનમાં અમારી ટીમે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી.  માલદિવ્સના નાના ટાપુઓ પર સતત ચાર દિવસ ચાલેલા સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ કામગીરી કરી હતી. આ કામગીરી બદલ મને `ડીજીસી પ્રશંસા પદક' (કોસ્ટગાર્ડના સર્વોચ્ચ પદ ડાયરેક્ટર જનરલ પ્રશંસા પદક)થી સન્માનિત કરવામાં આવી, ત્યારબાદ ભારત, માલદિવ્સ અને શ્રીલંકા વચ્ચે થયેલી સંયુક્ત કવાયતમાં પણ ટીમમાં એકમાત્ર મહિલા તરીકે ભાગ લીધો. - તમારી કારકિર્દીનો સૌથી યાદગાર પ્રસંગ કયો રહ્યો?: ફેબ્રુઆરી 2016માં યોજાયેલા ઇન્ડિયન નેવીના ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂમાં ડાયમંડ ફોર્મેશન ફ્લાઇંગ કરવાનો અવસર મળ્યો હતો. દરેક ઓફિસર માટે આ ગૌરવની ક્ષણ હોય છે. મારા માટે પણ તે જીવનનો સૌથી યાદગાર અનુભવ રહ્યો. - સિવિલ એવીએશનમાં આવવાનું કારણ ? : શરૂઆતથી જ પેસેન્જર એરક્રાફ્ટ ઉડાડવાનો અનુભવ મેળવવાની ઈચ્છા હતી, તેથી આઠ વર્ષની સેવા બાદ ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે કોસ્ટગાર્ડમાંથી નિવૃત્તિ લીધી અને 2018માં ઇન્ડિગો એરલાઇન્સમાં કેપ્ટન તરીકે જોડાઈ. હાલમાં મારું પોસ્ટિંગ અમદાવાદમાં છે. - કચ્છ સાથેનો તમારો સંબંધ આજે પણ એટલો જ મજબૂત છે ? : હા, હું વર્ષે એકાદ વાર કચ્છ આવતી રહું છું, જ્યારે ગામ આવું ત્યારે પાઈલટ તરીકે નહીં, પરંતુ ગામની સામાન્ય આહીર દીકરી તરીકે રહેવું ગમે છે. કચ્છ મને અત્યંત વહાલું છે. - યુદ્ધની તંગદિલી વચ્ચે તમારો અનુભવ ? : સદ્ભાગ્યે તાજેતરમાં થયેલા દુબઇ બ્લાસ્ટ સમયે મારી કતારથી દિલ્હીની વિઝિટ એક દિવસ પહેલાં પૂર્ણ થઈ ગઈ અને હું કતારના દોહા થઈને પાછી દિલ્હી પહોંચી ચૂકી હતી, પરંતુ અમારા અન્ય સ્ટાફને તે પરિસ્થિતિનો સામનો કરવો પડયો અને તેમને પરત લાવવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી. મેં કોસ્ટગાર્ડમાં રહીને દેશની સેવા કરી છે અને સાહસ અને સેવાની મારી વિચારધારા બંધાઈ ચૂકી છે એટલે તંગ પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર રહું છું. મૃત્યુ એક દિવસ આવશે જ, પણ એની ચિંતા કરી રોજ ડરીને મોતને ભેટવાનો કોઈ અર્થ નથી. - મહિલા દિવસના અવસરે મહિલાઓને શું સંદેશ આપશો ? : મહિલા દિવસના સંદર્ભે હું એટલું જ કહેવા માગું છું કે, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો મહેનત અને સંઘર્ષથી દૂર રહી શકાય નહીં. મને આ ક્ષેત્રમાં કામ કરતાં આજે લગભગ 18 વર્ષ થઈ ગયા છે, છતાં આજે પણ એટલી જ મહેનત કરવી પડે છે. સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે. જીવનમાં આગળ વધવાની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ થતી નથી. શીખવાનું, મહેનત કરવાનું અને નવા પડકારોને સ્વીકારવું એ એક `નેવર એન્ડિંગ પ્રોસેસ' છે. દુનિયા એક ખુલ્લું મેદાન છે - બસ હિંમતથી આગળ વધવાની જરૂર છે. 

Panchang

dd