ભુજ, તા. 15 : મહાશિવરાત્રિના પાવન અવસર પર
ભુજ શહેરમાં દશનામ ગોસ્વામી સમાજની પ્રેરણાથી અને સમસ્ત હિન્દુ સમાજના સહયોગથી શોભાયાત્રાનું
આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સનાતન હિન્દુ સમાજના લોકો, વિવિધ સમાજોના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રાની શરૂઆત કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ
વિનોદભાઈ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી,
આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, ભુજ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ધીરજપુરી, ભૂતનાથ સેવા
સંસ્થાનના ઉપપ્રમુખ પરાક્રમાસિંહ જાડેજા, દશનામ ગોસ્વામી સમાજના યુવા પ્રમુખ નિલયભાઈ ગોસ્વામી તથા અન્ય આગેવાનોના હસ્તે કરવામાં આવી
હતી. યાત્રાનું પ્રસ્થાન મહાકાલેશ્વર મંદિર
ખાતેથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ધીંગેશ્વર મહાદેવ મંદિર, નૂતન સ્વામિનારાયણ મંદિર, મોટો બંધ, જ્યુબિલી સર્કલ, વી.ડી. હાઈસ્કૂલ, નવા બસ સ્ટેશન સહિત મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંતે હમીરસર તળાવ ખાતે પહોંચી
સમાપન પામી હતી. શોભાયાત્રામાં વિવિધ શોભાથી
સજ્જ ફ્લોટ્સ, આકર્ષક ધાર્મિક ઝાંખીઓ, ઢોલ-નગારાઓ
અને ભજન-કીર્તનના ગૂંજતા સ્વરો સાથે સમગ્ર શહેર ભક્તિમય માહોલથી ગૂંજી ઊઠયું હતું.
વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક આગેવાનો અને પ્રતિષ્ઠિત
નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા
પૂર્ણ થયા બાદ હમીરસર તળાવ પાસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં પ્રસાદના મુખ્ય દાતા વિનોદભાઈ સોલંકી પરિવાર,
સહયોગી દાતા નવીનભાઇ આઇયા પરિવાર, સાંસદ વિનોદભાઈ
ચાવડા, અશોકભાઈ ખટાઉ પરિવાર રહ્યા હતા. પોલીસ પ્રશાસન,
ભુજ નગરપાલિકા તેમજ આયોજન દરમિયાન સેવા આપનાર તમામ કાર્યકર્તા મિત્રો
સહિતનો સહયોગ મળ્યો હતો. વ્યવસ્થા ભુજ દશનામ
ગોસ્વામી સમાજ અને ભૂતનાથ સેવા સંસ્થાનના સંયુક્ત
ઉપક્રમે કરવામાં આવી હતી.