અંજાર, તા. 21 : વેલસ્પન અંજાર ખાતે પ્રકૃતિ, ટકાઉપણું અને સમુદાયની ઉજવણી સાથે વાઈબ્રન્ટ
ફ્લાવર શો સાથે 40મી વર્ષગાંઠની
ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત વિવિધ
હરીફાઈ પણ યોજાઈ હતી. 40મી વર્ષગાંઠ
નિમિત્તે વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ (ડબલ્યુએફએચકે)ના માર્ગદર્શન તળે
અંજાર પ્લાન્ટ ખાતે ફ્લાવર શો તથા સીએસઆર એક્ઝિબિશન
કાર્યક્રમ યોજાયો હતો, જેના થકી પ્રકૃતિ
અને લોકોમેળાનાં જીવંત દૃશ્યો સર્જાયાં હતાં. હાર્મની વિથ નેચર થીમ તળે યોજાયેલા બે
દિવસીય કાર્યક્રમમાં રંગબેરંગી ફૂલો,
સુશોભન છોડ, કલાત્મક ફૂલોનાં સ્થાપનોનું સમૃદ્ધ
પ્રદર્શન યોજાયું હતું. ખાસ કટ-ફ્લાવર પ્રદર્શનમાં તાજા ચૂંટેલા ફૂલોને સુંદરતા પૂર્વક ગોઠવીને પ્રસ્તુત
કરવામાં આવ્યાં હતાં. જેના થકી કચ્છ અને આસપાસના વિસ્તારમાં બાગાયતની સમૃદ્ધિ અને સ્થાનિક પર્યાવરણના સંરક્ષણના
મહત્ત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વેલસ્પનના કર્મચારીઓ અને તેમના
પરિવારજનો ઉપરાંત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી તેમજ સલાડ મેકિંગ સ્પર્ધા
દ્વારા આરોગ્ય અને પોષણનો સંદેશ અપાયો હતો. આ ઉપરાંત ડબલ્યુએફએચકેના સહયોગથી સ્થાનિક
લોકો દ્વારા તૈયાર કરાયેલી કૃતિઓને સીએસઆર એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન
દરમ્યાન નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ પણ યોજાયો
હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે 100થી વધુ વેલસ્પનના કર્મચારીઓએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.
વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ એ
વેલસ્પન ગ્રુપની સામાજિક વિકાસ શાખા છે. જે ભારતભરમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશકિતરણ,
આજીવિકા, પર્યાવરણ અને સમુદાય કલ્યાણનાં ક્ષેત્રોમાં
કાર્ય કરે છે, જેમાં પાયાના સ્તરથી લોકો સાથે જોડાઈને દીર્ધકાલીન
અને ટકાઉ પરિવર્તન લાવવાનો આ શાખાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું એક યાદીમાં જણાવાયું
છે.