• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ગાંધીધામના ભારતનગરમાં વરસાદી નાળાંની કામગીરીની સમીક્ષા કરાઈ

ગાંધીધામ, તા. 21 : શહેરના ભારતનગરમાં વરસાદી નાળાં, રોડ અને ગટર લાઈન સહિતનાં કામો થઈ રહ્યાં છે. કામ બરાબર ન થતું હોવાની ફરિયાદો હતી, જેના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનરે થર્ડ નિરક્ષણ કરીને સમીક્ષા કરી હતી અને વેપારીઓ સાથે ચર્ચાઓ કરીને સમસ્યાનાં સમાધાનની ખાતરી આપી હતી. ભારતનગરમાં વરસાદી નાળાંની કામગીરી બધા માટે મુસીબત બની છે, વેપારીઓની વ્યાપક ફરિયાદ છે કે, ભવિષ્યમાં લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવી ફરિયાદના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા  અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વેપારી મંડળના પ્રમુખ ત્રિલોક ભાનુશાળી સેક્રેટરી સુનિલ પારવાણી, સુરેન્દ્ર છબલાની સહિતનાઓએ ઉપસ્થિત રહી તેમની સાથે ચર્ચાઓ કરી હતી. આ નાળાંના કારણે આંતરિક વિસ્તારોમાંથી મુખ્ય રોડ ઉપર આવવા માટે દોઢ ફૂટથી લઈને બે ફૂટ સુધી ઊંચું વાહન ચડાવવું પડે તેમ છે, આંતરિક માર્ગોથી નાળાંની ઊંચાઈ ઘણી હોવાથી સમસ્યા સર્જવાની પૂરેપૂરી સંભાવના છે, જેને લઈને જ વેપારીઓમાં અને લોકોમાં ચિંતા છે. વહીવટી તંત્ર લેવલનું બહાનું આપે છે, પણ ગુજરાતના અન્ય મહાનગરોમાં આવી સ્થિતિ નથી અહીં આ નાળાં માંથી પાણી નિકાલ થાય તે તો સમયની વાત છે, પરંતુ નાળાંની આંતરિક રોડ કરતા ઊંચાઈ વધુ હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેના પગલે ડેપ્યુટી કમિશનર ત્યાં પહોંચ્યા હતા અને વેપારીઓને નાળાંની કામગીરી પૂર્ણ થયા બાદ વી ચેનલ બનાવવાની હૈયા ધારણા આપી હતી. આગામી સમયમાં અહીંની કામગીરીને લઈને વેપારીઓને જે ખાતરી આપવામાં આવી છે તે થશે કે નહીં તેની ઉપર વેપારીઓની નજર છે. વિકાસનાં કામોને વેપારીઓ અને લોકો આવકારી રહ્યા છે, કામગીરીને બિરદાવે છે, પણ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર નજર રાખે તેવી માંગ પણ વેપારીઓએ કરી હતી. 

Panchang

dd