• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભારતી કળાના આદાન-પ્રદાનની શરૂઆત વટવૃક્ષ બન્યાનો રાજીપો

ભુજ, તા. 21 : કચ્છની હસ્તકલાના સંવર્ધન માટે શરૂ થયેલ એલ. એલ. ડી. સી.એ અન્ય કલાઓને પણ પ્રોત્સાહિત કરવાની શરૂઆત એક દાયકા પહેલા કરી. હેતુ સ્પષ્ટ હતો કે વિવિધ કલાઓને મંચ મળે અને તેની સાથે ભારતીય કલાઓનું આદાન – પ્રદાન થાય. આ નાનકડી શરૂઆત આજે વટવૃક્ષ બની ગઈ, તેનો રાજીપો છે. – અજરખપુર ખાતે એલ. એલ. ડી. સી.ના વિન્ટર ફેસ્ટિવલના પ્રારંભે સંસ્થાના મેનાજિંગ ડાયરેક્ટર અમીબેન શ્રોફે આ મુજબ જણાવીને સૌને આવકાર્યા હતા. શ્રુજન- લાવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ-2026નો પ્રારંભ થયો હતો. પોતાની આગવી સંસ્કૃતિ અને હસ્તકલાઓના વારસાથી સમૃદ્ધ કચ્છ સાથે ભારતના ઉત્તર – પૂર્વ રાજ્યો (જમ્મુ – કાશ્મીર, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગોવા વગેરે)ની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યનાં આદાન-પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે. સંસ્થાના પટાંગણમાં પાંચ દિવસના વિનત્ર ફેસ્ટિવલનો શુભારંભ જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ તેમજ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના દિપેશભાઈ શ્રોફ, અમીબેન શ્રોફ, ધોરડોના સરપંચ મિયાં હુસેન મુતવા, હસ્તકલાના નિષ્ણાત અને કસબના પંકજભાઈ શાહ, સુમિટોમો કેમિકલ્સના કિરણભાઈ ચાંદવાણી, લેવાપટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા, એગ્રોસેલના જગદીશ નાયક, રામ ભોગલે, કેવિન માર્ટિન, યોગેન્દ્રાસિંઘ, રાજેન્દ્ર શાહ ડાયરેક્ટર એગ્રોસેલ, ડો. બાલાજી પિલ્લઈ - અદાણી હોસ્પિટલ, ડો. ઈસ્માઈલ ખત્રી, ચૈતન્યભાઈ શ્રોફ, દાદુભાઈ ઝાલા, કલાધર મુતવા, સોરૂબેન, સરિયાબેન આહિર અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. ગાર્ડન સ્ટેજ પર વિવિધ કલાકૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કલાકૃતિઓની પ્રસ્તુતિનો પ્રારંભ કચ્છના જ બાળકલાકારો રિશી શેઠિયા, યજ્ઞ ગોર, હરમન ઝાલા અને પિનાક શાહ દ્વારા નોબત, ઢોલ તેમજ ઓર્ગન દ્વારા સંગીત-નાદ સાથેની સ્વાગત પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મઝરૂદ્દીન મુતવા અને તેમની ટીમ દ્વારા `સરહદ જા સૂર'ની રજૂઆત કરવામાં આવી હતી. યુવા કલાકારો દ્વારા ગુજરાતી પ્રાચીન લોકગીતો અને ભજનો રજૂ કર્યા હતા. મંચ પરથી રજૂ થયેલ કચ્છના સિંક્રો એકેડમી, સ્વર ડાન્સ એકેડમી, આર. જે. આદ્યશક્તિ ગ્રૂપ અને મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રૂપ દ્વારા નૃત્યની રજૂઆતો કરવામાં આવી હતી. ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી અને કચ્છ સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોથી પણ પ્રવાસીઓ સાથે વિદેશી પ્રવશીઓ પણ આ મહોત્સવ માણવા આવ્યા હતા. આ વખતે ક્રાફ્ટ બજારમાં કચ્છ અને અન્ય રાજ્યોના કુલ 47 જેટલા ક્રાફ્ટ – સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે જેમાં લોકોએ આર્ટ-ક્રાફ્ટના સ્ટોલ્સની મુલાકાત લઈ, ખરીદી કરી, કારીગરોને બિરદાવ્યા હતા. બ્લોક પ્રિન્ટ, પોટરી અને બાંધણીની હેન્ડસ્-ઓન એક્ટિવિટી પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. કિડ્સ ઝોન અને કઠપૂતળીએ બાળકોને ખુશ ખુશ કરી દીધા હતા. સાથોસાથ ટેરોટ કાર્ડ રીડર, ફેસ-પેઈન્ટ આર્ટિસ્ટ અને ટેટૂ આર્ટિસ્ટએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. 

Panchang

dd