વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 21 : જેના ગુરુએ
મુંબઇ ગામદેવીમાં પાંચ દાયકા પહેલાં ઉતારા-આવાસ,
ભોજન સાથેનું વિશ્રાંતિ ભવન નિર્માણ કરાવી મુસાફરો માટે સુવિધા કરી તેમના
જ શિષ્યરત્ન વર્તમાન મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ પ્રેરણા કરી હરિદ્વારમાં ભવન
નિર્માણની વાત મૂકતાં જ એક કલાકમાં કરોડોના દાનની ગંગા વહી હતી. શિક્ષાપત્રી સમૂહપૂજન
અને કેરાના ત્યાગી ફઇઓએ 200 કિલો લાડુ
પ્રસાદીરૂપે ધર્યા હતા. ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિ. ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય
ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય મહારાજનું પણ આગમન થયું હતું. પ્રથમ મુંબઇ, અ'વાદ, ભુજ બાદ નારાયણ સરોવર તીર્થમાં
સારી સુવિધાઓ સાથેના વિશાળ વિશ્રાંતિ ભવનો સર્જી લોકોની સુવિધામાં વધારો કરનાર ભુજના
સ્વામિનારાયણ મંદિરે હરિદ્વાર શહેર વચ્ચે ગંગા નદીથી માત્ર 100 મીટરના રોડટચ 125 રૂમ, સંત-સાં.યોગી નિવાસ, મંદિર,
સત્સંગ હોલ સહિતની સુવિધા 60 કરોડના માતબર ખર્ચે સર્જવાની ટહેલ હરિભક્તો સમક્ષ શિક્ષાપત્રી
દ્વિશતાબ્દી મહોત્સવના દ્વિતીય દિને નાખી હતી. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી
સ્વામીએ પ્રેરણા કરતાં કહ્યું કે, કાર્ય
મોટું છે અને દરેકે સાથ-સહકાર આપવાનો છે. વરિષ્ઠ સંત શ્રીહરિદાસજી સ્વામીએ પણ મોટા
કાર્યને પહોંચી વળવા પ્રેરણા કરી હતી. મહંત સ્વામીની લાગણી ઝીલતાં માત્ર દોઢ કલાકમાં
અડધાથી વધુનો લક્ષ્યાંક જાહેર થયો હતો. બિનનિવાસી હરિભક્તોએ 3.5, 2.5, 1.1 કરોડના મોટા આંક આપ્યા
હતા. આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની નિશ્રામાં ઉપમહંત પુરાણી ભગવદજીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, મંડળધારી સંતો,
સાંખ્યયોગી બહેનો સામબાઇ ફઇ સાથે ત્યાગી બહેનોએ પ્રેરણા કરતાં દાનનો
પ્રવાહ અખંડ રહ્યો હતો. નરનારાયણદેવના જયઘોષ સાથે ભુજ મંદિરના સંતોની ભક્તિ,
ત્યાગ સાથે તપસ્વી જીવન અને પવિત્ર વ્યવહારના પરિપાકરૂપ દાનનો ધોધ વહ્યો
હતો. સાથે રાજધાની નવી દિલ્હીમાં પણ વિશ્રાંતિ ભવન બાંધવાનો સંકલ્પ મંચ ઉપરથી કહેવાયો
હતો. સભામાં શબ્દ સંકલનકર્તા શાત્રી દેવચરણદાસજી સ્વામીએ યજમાનોની સેવાની સુયોગ્ય નોંધ
લેવા સાથે દાનના આંક, પ્રદાન જાહેર કર્યા હતા. બપોર પછીના સત્રમાં
ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ,
તાલુકા પ્રમુખ વિનોદભાઇ વરસાણી, તાલુકા ભાજપ પ્રમુખ
ભીમજી જોધાણી, જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા
હતા. શિક્ષાપત્રી મહોત્સવની સાક્ષીએ કેરાના સાંખ્યયોગી સામબાઇ ફઇ, દેવબાઇ ફઇ, જશોદાબાઇ ફઇ, કુન્દનપરના
કાંતા ફઇ, મંદિરના પ્રમુખ હરીશ ખેતાણી, મહેન્દ્રભાઇ ભુવા, કેરા-કુન્દનપર નરનારાયણદેવ યુવક-યુવતી
મંડળ, સત્સંગી અગ્રણી નવીનભાઇ પાંચાણી, રવજીભાઇ કેરાઇ સૌએ સર્વે કર્મયોગી બહેનોના સહકારથી બનાવેલ 200 કિલોનો લાડવો મુખ્ય કથા પંડાલમાં
ઠાકોરજીને ધરાવ્યો હતો. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં દાતાઓનું સન્માન કરાયું
હતું. દેશ-વિદેશના દાતારોની ઉપસ્થિતિમાં મહોત્સવના વિવિધ યજમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. મંદિર કમિટીના કોઠારી મૂરજીભાઇ શિયાણી,
ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસિયા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે ચોવીસી-વાગડ,
અબડાસાના સત્સંગીઓની સહિયારી જહેમતથી સંતોનાં માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા
સંભાળી રહ્યા છે. ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, અધ્યક્ષ
ગોપાલભાઇ ગેરસિયા, અરજણભાઇ પિંડોરિયા, કેશરાભાઇ
પિંડોરિયા, રવજીભાઇ ગોરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે
સુખનું સરનામું શિક્ષાપત્રી વિષય પર બોધક વકતવ્ય રજૂ થયું હતું.