દયાપર (તા. લખપત), તા. 21 : ચૂંટણી વિભાગ
દ્વારા `સર'ની કામગીરી અંતર્ગત લખપત તાલુકામાં 7160 જેટલા મતદારોને કમી કરાતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા
મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરાઇ હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઝુઝારદાન
ગઢવીએ જણાવ્યું હતું કે, અમુક ચોક્કસ
વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે ફોર્મ નં. 7 ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું કાવતરું હાથ ધરાયું હતું
જેથી આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થઇ જાય. આ બાબતે યોગ્ય ચકાસણી કરી જવાબદારો
સામે એફઆઇઆર નોંધવામાં આવે અને તા. 17/1ના સી.સી. ટી.વી. કેમેરામાં ચેક કરાય કે વાંધો ઉપાડનાર કોણ છે ? મત આપવાના અધિકારથી વંચિત ન રખાય તેવી પણ પત્રમાં
રજૂઆત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા વિધાનસભાના ધારાસભ્યની
હાર ઘણીવાર સાત હજાર મતની આસપાસ થતી હોય છે અને છેલ્લા દિવસે મોટી સંખ્યામાં વાંધો
રજૂ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના મામદ જુગ જત, હુસેન
રાયમા, કાસમ કુંભાર સહિત જોડાયા હતા.