ગાંધીધામ, તા. 21 : કચ્છમાં રણોત્સવનું આયોજન અને પ્રવાસીઓની
ભીડને નિયંત્રિત કરવાના હેતુથી રેલવે
દ્વારા ભુજ-બાન્દ્રા વચ્ચે સપ્તાહમાં બે વખત
વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે ત્યારે વધુ બે
સાપ્તાહિક ટ્રેનની 20 ટ્રીપ દોડાવવામાં
આવશે. આ વધુ ટ્રેનો શરૂ થતાં કચ્છની દૈનિક ટ્રેનો ઉપર ભારણ ઓછું થશે.
રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ
0909 નંબરની ટ્રેન બાન્દ્રાથી દર
રવિવારે સાંજે 7.25 કલાકે રવાના થશે અને બીજા દિવસે સવારે 9.50 કલાકે ભુજ પહોંચશે, જ્યારે 09010 નંબરની ટ્રેન
ભુજથી દર સોમવારે બપોરે બે વાગ્યે રવાના થઈ બીજા દિવસે સવારે 5.10 કલાકે બાન્દ્રા પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફબ્રુઆરી સુધી ભુજથી અને 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી બાન્દ્રાથી દોડશે. આ ઉપરાંત 09011 નંબરની ટ્રેન બાન્દ્રા
ટર્મિનસથી રાત્રે 11.55 કલાકે દર મંગળવારે રવાના થઈ
બીજા દિવસે બુધવારે બપોરે 2.30 કલાકે ભુજ પહોંચશે, જ્યારે 09012 નંબરની ટ્રેન ભુજથી
દર બુધવારે સાંજે 5.40 કલાકે રવાના થઈને બીજા દિવસે સવારે 8.45 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બાન્દ્રાથી તા. 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી અને ભુજથી તા.
28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી દોડશે. આ બન્ને
ટ્રેનો બન્ને દિશામાં બોરીવલી, વાપી,
સુરત, વડોદરા, અમદાવાદ,
ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ ખાતે થોભશે.