• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

રોગચાળાના ખતરા વચ્ચે ભરાયેલાં વરસાદી પાણીનો નિકાલ જરૂરી

ગાંધીધામમાં ભારતનગર, સાઉથ,સહિત જોડિયા શહેરોના અનેક વિસ્તારોમાં જળભરાવથી મુશ્કેલીઓ ગાંધીધામ, તા. 30 : સંકુલમાં બે દિવસ દરમિયાન ઝરમર અને છાંટા રૂપી પડેલા વરસાદથી ગાંધીધામ-આદિપુર જોડિયાં શહેરોના અનેક વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાયાં છે. આમ પણ વાતાવરણમાં આવેલા બદલાવના કારણે તાવ, ઉધરસ, શરદીના 500થી વધુ દર્દીને રામબાગમાં સારવાર અપાઈ છે તેવામાં ઠેર ઠેર ભરાયેલાં પાણીથી રોગચાળો માથું ઉંચકે કે તેવી ભીતિ છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરીને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે તે અતિ જરૂરી અને આવશ્યક છે. શહેરના ભારત નગર, સુંદરપુરી, સેક્ટર, સીટી સહિત તેમજ આદિપુરમાં અલગ અલગ વિસ્તારોના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલાં છે. લેવલિંગ વગરના માર્ગો અને પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે માર્ગો ઉપર પાણી ભરાયેલાં રહે છે, જે મચ્છરોનું ઉપદ્રવ કેન્દ્ર બને છે તેના કારણે રોગચાળાનો ખતરો ઊભો થાય છે. ચક્રવાતના પગલે વરસાદની આગાહી હતી. સંકુલમાં એટલો વરસાદ પડયો નથી માત્ર ઝરમર અને છાંટારૂપી ઝાપટાં પડયા છે તેવામાં પણ વરસાદી પાણી ભરાયેલાં છે. ખાસ કરીને ભારત નગરના અલગ અલગ માર્ગો અને ગાંધીધામમાં સાઉથમાં ચાવલા ચોક પાસેના માર્ગો ઉપર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસાંના છેલ્લા વરસાદ પછી સતત તડકો પડયો છે અને તેના કારણે માર્ગો ઉપરથી પાણી સુકાઈ ગયાં હતાં ચક્રવાતની આગાહી હતી એ દરમિયાન ભારે વરસાદ તો પડયો નથી માત્ર છાંટા પડયા છે, પણ લોકો માટે માર્ગોના ખાડામાં ભરાયેલા પાણી મુસીબત બન્યાં છે અને રોગચાળાનો પણ ખતરો છે. મહાનગરપાલિકા બન્યા પછી પાણી નિકાલની વ્યવસ્થા માટે કોઈ વિશાળ આયોજન થયું નથી, પરંતુ જે વિસ્તારોમાં પાણીનો ભરાવો વધારે છે. ત્યાંથી તેના નિકાલ માટે વરસાદી નાળાંઓ બનાવવાનું આયોજન ઘડાયું છે. ચોમાસુ પૂર્ણ થઈ ગયું છે આગામી ચોમાસા સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળાંઓ બનાવવામાં આવે છે તેવી સંભાવના છે, પરંતુ હાલના સમયે માર્ગો પરથી પાણી દૂર કરવું જરૂરી છે, નહીંતર બીમારીઓ વધવાની સંભાવના છે. તંત્ર આ દિશામાં પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. 

Panchang

dd