મુંબઈ, તા. 30 : વર્ષ 2022માં આવેલી એક ફિલ્મ `એ
થર્સડે'ની યાદ
અપાવતી એક ઘટનામાં આજે મુંબઈનાં પવઈમાં એક એક્ટિંગ સ્ટુડિયોમાં માથા ફરેલા એક શખસે
17 બાળકો અને 2 વયસ્કોને ઓડિશનનાં નામે બોલાવીને બંધક બનાવી લેતા ખળભળાટ
મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ રા સ્ટુડિયો ધસી ગઈ હતી અને બાળકોને
બાનમાં લેનારા શખસ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં કોઈ સફળતા મળતી ન દેખાતાં
આખરે પોલીસે બચાવ અભિયાન છેડીને તમામ બાળકોને સુરક્ષિત ઉગારીને આરોપીને એરગન અને સંદિગ્ધ
રસાયણ સાથે ઘેરી લીધો હતો. જો કે આ દરમિયાન આરોપીએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો અને
પોલીસે જવાબી કાર્યવાહીમાં કરેલા ગોળીબારમાં તે ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં
ખસેડાયો હતો. જ્યાં તબીબો દ્વારા તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના આજે
બપોરે દોઢેક વાગ્યાનાં સુમારે બની હતી. આરોપી રોહિત આર્યએ એક વેબ સીરીઝનાં ઓડિશનનાં
બહાને બાળકોને સ્ટુડિયોમાં બોલાવ્યા હતાં. બાળકો સાથે તેમનાં વાલીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં
પહોંચી ગયા હતાં. આ ઓડિશન છેલ્લા છ દિવસથી ચાલતાં હતાં. જેમાં આજે પહોંચેલા બાળકો આશરે
1પ વર્ષની વય આસપાસનાં હતાં. આ બાળકોને જ્યારે
બપોરે ભોજન માટે જવા દેવામાં ન આવ્યા ત્યારે તેમનાં વાલીઓને શંકા ગઈ હતી. તેમણે પોણાં
બે વાગ્યે પોલીસને આની જાણ કરી હતી. જેને પગલે પોલીસ અને તેની વિશેષ ટુકડી ઉપરાંત એટીએસ
પણ ત્યાં દોડી ગઈ હતી. એ વખતે કેટલાક બાળકો કાચની બારીમાંથી ડોકિયા કરીને મદદ મેળવવાનો
પ્રયાસ કરતાં હતાં. શરૂઆતમાં પોલીસે આરોપી સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો પણ જ્યારે
તેમાં સ્થિતિનો ઉકેલ આવતા ન દેખાયો ત્યારે પોલીસ બાથરૂમનાં રસ્તેથી અંદર ઘૂસી હતી અને
આરોપીને પકડી પાડીને તમામ બંધકોને છોડાવી લીધા હતાં. આ દરમિયાન આરોપી રોહિતે પોલીસ
ઉપર ગોળીબાર કર્યા હતાં અને તેમાં પોલીસે કરેલા વળતાં હુમલામાં આરોપી ગંભીર રીતે ઘાયલ
થયો હતો. જેને પગલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવાર દરમિયાન
મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ આખી ઘટનાની શરૂઆત આજે સવારે થઈ હતી. આશરે 100 જેટલા બાળકો ઓડિશન માટે સ્ટુડિયો પહોંચ્યા હતાં.
ત્યાં પોતાને યૂટયુબર તરીકે ઓળખાવીને રોહિત આર્ય બાળકોનાં ઓડિશન લેતો હતો. તેણે આશરે
80 જેટલા બાળકોને પરત જવા દીધા બાદ 19 લોકોને અંદર બાનમાં લઈ લીધા હતાં.  - આરોપીએ વીડિયોમાં કહ્યું હતું કે, હું કોઈ આતંકી નથી : આ સમગ્ર ઘટના દરમિયાન આરોપીનો એક વીડિયો પણ
પ્રકાશમાં આવ્યો હતો. જેમાં તેણે આ સમગ્ર કાંડ એક કાવતરાનાં ભાગરૂપે કર્યુ હોવાનું
કહ્યું હતું. આ વીડિયોમાં તે એવું બોલતો દેખાયો હતો કે, તેની કોઈ નાણાકીય માગણી નથી.
તેનો સવાલ નૈતિકતા સાથે જોડાયેલો છે. તેણે કહ્યું હતું કે, તે
કોઈ આતંકવાદી નથી પણ અમુક લોકોને કેટલાક સવાલ કરવા માગે છે અને તેનાં જવાબ મેળવવા માટે
જ તેણે આ કૃત્ય આચર્યુ છે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                    