ભુજ, તા. 30 : સાડા ચાર વર્ષ પૂર્વે 2021ના મે માસમાં માનકૂવાની પોતાની કબજાની વાડીમાં
માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરનારા આરોપી નારણ કાનજી ભુડિયા (રહે. ઓમનગર, જૂનાવાસ, માનકૂવા)ને જે તે સમયે પોલીસે માદક પદાર્થના છોડ સાથે ઝડપી ગુનો નોંધ્યો હતો,
જેમાં આરોપી નારણને અદાલતે તક્સીરવાન ઠેરવી ચાર વર્ષની સખત કેદની સજા
તથા 50 હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો
છે. આ કેસની ટૂંક વિગતો મુજબ માનકૂવા પોલીસે બાતમીના આધારે તા. 2/5/21ના મોડી સાંજે વિચેશ્વર બાજુ વાડીમાં દરોડો
પાડી છાનબીન દરમ્યાન મધરાત્રે માદક પદાર્થ ગાંજાના છોડ 33 જેનું વજન 261 ગ્રામ કિં. રૂા. 42,610 તથા એક મોબાઇલ કિં. રૂા. બે હજારના મુદ્દામાલ
સાથે આરોપી નારણ કાનજી ભુડિયાને ઝડપી તેની વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરી કાયદેસરની
કાર્યવાહી કરી હતી. આ કેસ છઠ્ઠા અધિક સેશન્સ જજ અને સ્પે. એનડીપીએસ જજ અને સ્પે. એનડીપીએસ
જજ વી. એ. બુદ્ધાની અદાલતમાં ચાલી જતાં 33 દસ્તાવેજી પુરાવા તથા સાત સાક્ષી તપાસી ગુનો સાબિત થતાં આરોપી નારણને ચાર
વર્ષની સખત કેદની સજા તથા 50 હજાર
દંડ અને જો દંડ ન ભરે,
તો વધુ એક વર્ષની સખત કેદનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદ પક્ષ સરકાર તરફે
એનડીપીએસ કાયદાના અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી સાક્ષી તપાસીને
દલીલો કરી હતી. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    