સિયોલ, તા. 30 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના
રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયાના બુસાન એરપોર્ટ પર થયેલી બેઠકમાં વેપારસંધિ
થઈ ગઈ હતી. ટ્રમ્પે આ જાણકારી અમેરિકા જતી વખતે વિમાનમાં પત્રકારોને આપી હતી. ટ્રમ્પે
ચીન પર ટેરિફ 10 ટકા ઘટાડી આપ્યો હતો. બદલામાં જિનપિંગે અમેરિકા
પાસેથી વ્યાપક પ્રમાણમાં સોયાબીન ખરીદવાની તૈયારી બતાવી હતી. બન્ને નેતા વચ્ચે બુસાનમાં
100 મિનિટ સુધી બેઠક ચાલી હતી. વ્યસ્તતાઓ હોવાનાં
કારણે આ મુલાકાત બુસાન એરપોર્ટ પર થઈ હતી, જેમાં બેય દેશ વેપારસંધિ માટે સહમત થયા હતા. ટ્રમ્પ અને જિનપિંગ
છ વર્ષ બાદ મળ્યા હતા. અગાઉ 2019માં બન્ને નેતાની બેઠક થઈ હતી. આજે થયેલી બેઠક પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિએ
કહી દીધું હતું કે,
આજે વેપારસંધિ થઈ શકે છે. મુલાકાત દરમ્યાન ટ્રમ્પ-જિનપિંગે હાથ મિલાવીને
એકમેકનું અભિવાદન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે, જિનપિંગ
બહુ સખત વાર્તાકાર છે, એ સારી વાત નથી. ટ્રમ્પે ગુરુવારે ઘોષણા
કરી હતી કે, ચીનથી આવતા સામાન પર કુલ સરેરાશ ટેરિફ 57 ટકામાંથી ઘટાડીને 47 ટકા કરી દેવાયો છે. જિનપિંગે જણાવ્યું હતું
કે, ચીનની
આર્થિક વૃદ્ધિથી ચીન અને અમેરિકા વચ્ચે સહયોગ વધારવાની નવી સંભાવનાઓ પેદા થશે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                    