ગાંધીધામ, તા. 30 : શહેરની પાયાની સંસ્થા સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની
ચૂંટણીમાં કલીનસ્વીપ કરનાર પ્રોગ્રેસિવ પેનલ દ્વારા પ્રથમ બેઠકમાં જ  મહાનગરપાલિકાને સીટીબસ  માટેની જમીન ફાળવવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો
હતો. દરમ્યાન આજે પત્રકાર પરિષદ યોજી નવનિયુકત પદાધિકારીઓ દ્વારા મલ્ટિ સ્પેશિયાલિટી
હોસ્પિટલનું આપેલું વચન પૂર્ણ કરવાની દિશામાં તેમજ અન્ય પ્રકલ્પોના ભાવિ આયોજન અંગે
ખ્યાલ આપ્યો હતો.  એસ.આર.સી. બોર્ડ રૂમ ખાતે
ગત તા. 29મીએ પદાધિકારીઓની વરણી માટે બેઠક  મળી હતી. ચેરમેન તરીકે પ્રોગ્રેસિવ પેનલના પ્રણેતા
અને ડાયરેક્ટર  સેવક લખવાણીની ચેરમેન તરીકે  સર્વાનુમતે 
વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ તેમની વરણીને વધાવી હતી અને અભિનંદન
પાઠવ્યા હતાં. આ ઉપરાંત ડેપ્યુટી ચેરમેન તરીકે લલિત વિધાણી, ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર તરીકે
હરીશ થારવાણીની અને લીગલ ચેરમેન તરીકે નીલેશ પંડયાની નિમણૂક કરવામાં આવી હતી. આ વેળાએ
એસ.આર.સી.ના ડાયરેકટરો  ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ નવનિયુકત અધ્યક્ષે પદભાર સંભાળ્યો હતો. આ વેળાએ શુભેચ્છકોએ હાજર રહી નવી ટીમને
અભિનંદન પાઠવ્યા હતા. દરમ્યાન આજે પત્રકારો સાથેની વાતચીતમાં એસ.આર.સી.ના ચેરમેન સેવક  લખવાણીએ 
જણાવ્યું હતું કે,  ચૂંટણી સમયે આપેલાં વચનમાં પ્રથમ વચન અમારું સીટીબસ સેવા શરૂ કરવાનું હતું
અને  અમે જે મહાપાલિકા માટે જમીન આપી  છે  તે જ
જગ્યાએ ડેપો બનાવવાનું આયોજન  વિચાર્યું હતું.
અમે 10 બસ સાથે આયોજન વિચાર્યું હતું પરંતુ હવે 80 બસ હોવાથી માત્ર આદિપુર-ગાંધીધામ નહીં   મહાપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તારને આ સેવાનો
લાભ મળશે. તેમણે બીજા પ્રકલ્પ અંગે વાત કરતાં કહ્યું  હતું કે, હવે  બીજું વચન મલ્ટિપર્પસ
હોસ્પિટલ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે,  ઝાયડસ જેવી કોર્પોરેટ હોસ્પિટલનાં
નિર્માણ  માટે એસ.આર.સી. 10 એકર જમીન આપશે. આ માટે તુરંતમાં ગ્લોબલ ટેન્ડર
જારી  કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ગરીબો અને
સભાસદોને રાહતદરે સારવાર આપવામાં આવે તે ખાસ શરત રાખવામાં આવશે. ગાંધીધામમાં  મોટા ગજાની 
હોસ્પિટલની ખૂટતી કડી પૂરવા માટે ટેન્ડર 
પ્રક્રિયા તુરંતમાં કરાશે. અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, સ્વચ્છતા માટે એસ.આર.સી. દ્વારા  મહત્ત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે. એસ.આર.સી.
લારીધારકો, કેબિનમાં 1000 જેટલી ડસ્ટબિન આપશે અને તે કચરાપેટીની જાળવણીની
જવાબદારી તેની રહેશે.  આથી નાસ્તા, ચાની  હોટેલો ઉપર સ્વચ્છતા જળવાશે.  એસ.આર.સી.ના સી.ઈ.ઓ. હરીશ થારવાણીએ જૂની કોર્ટ તેમજ  એરપોર્ટ રોડ ઉપર  આવેલી એસ.આર.સી.ની જમીનો ઉપર શોપિંગ મોલ સહિતના
પ્રકલ્પો હાથ ધરાશે તેવી માહિતી  આપી હતી. એસ.આર.સી.ને
આવક થાય તે માટે  બેન્ક- ઈન્સ્યોરન્સ કંપનીને
ભાડે આપી શકાય તેવી ઈમારતો બનાવાશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા સાથે
રહીને   જમીનોનો સેટેલાઈટ સર્વે હાથ ધરવાનું
પણ આયોજન છે અને આ માટે બે કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું. આ વેળાએ
ડેપ્યુટી ચેરમેન લલિત વિધાણી, લીગલ ચેરમેન નીલેશ પંડયા,
મહેશ લખવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. - ત્રણ માર્ગને કોમર્શિયલ જાહેર કરવા ડીપીએ સાથે
બેઠક કરાશે : ગાંધીધામ, તા. 30 : ગાંધીધામના ત્રણ રોડ ટાગોર રોડ, એરપોર્ટ રોડ, અને રામબાગ રોડને કોમર્શિયલ જાહેર કરવા માટેની કાર્યવાહી ઝડપથી થાય તે માટે
થોડા દિવસોમાં જ  દિનદયાલ પોર્ટ સાથે બેઠક યોજાશે.  ભવિષ્યમાં હાઈડ્રોઝન હબ સહીતના પ્રકલ્પો આવી રહ્યા
છે ત્યારે  આ માર્ગ વ્યાવસાયીક  થઈ જાય તો 
ઉદ્યોગોની કચેરીઓ  પણ અહી કાર્યરત થઈ
શકશે 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    