• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ગાંધીધામના કલેક્ટર રોડ ઉપર આજે દબાણ ઉપર બુલડોઝર ફરશે

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના કલેક્ટર રોડ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે 100થી વધુ દબાણ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સમય મર્યાદાની અંદર દબાણ દૂર ન થતાં વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે, તો બીજી તરફ ટાગોર રોડ, જૂનીકોર્ટ ચાર રસ્તાથી લઈને અપના નગર ચાર રસ્તા સુધી પોલીસ સ્ટેશન રોડ ઉપરનાં દબાણો દૂર કરવા માટે 150થી વધુને નોટિસ ફટકારવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અતિક્રમણ ઉપર જબરદસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 1000 દબાણ તોડી પાડવામાં આવ્યાં છે. અતિક્રમણના કારણે સાવ સાંકડા બની ગયેલા માર્ગોને ખુલ્લા કરવા માટે કાર્યવાહી થયેલી છે. 40 ફૂટ, 60 ફૂટ અને 80 ફૂટના માર્ગોને પ્રથમ તબક્કામાં ખુલ્લા કરાઈ રહ્યા છે. આ શ્રેણીમાં ગાંધીધામનો કલેક્ટર રોડ મહત્ત્વનો છે. અહીં વરસાદી નાળું છે. તેની ઉપર કન્ટેનરો છે. મંજૂરી વગરનાં અસંખ્ય કન્ટેનર, દુકાનો સહિતનાં દબાણ ઊભા થઈ ગયાં છે, તેના કારણે એક તો વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, તો બીજી તરફ અતિક્રમણનાં કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીની સૂચના પછી દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી અને કર્મચારીઓ દ્વારા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી અને એસઆરસીના સહયોગથી કલેક્ટર રોડ ઉપર રોડનું માપ લઈને 100થી વધુ દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી. ગુરુદ્વારા સુધી આ કાર્યવાહી થઈ છે, હવે ચાર રસ્તાથી અપના નગર ચાર રસ્તા તરફ જતા માર્ગ ઉપર પણ કાર્યવાહી અતિ મહત્ત્વની અને જરૂરી છે. હાલના તબક્કે જેને નોટિસ આપવામાં આવી હતી તે દબાણ સ્વેચ્છાએ ન હતાં. આજે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી દબાણ તોડવાનું શરૂ કરશે. તો બીજી તરફ ટાગોર રોડ જૂની કોર્ટ રોડથી લઈને અપના નગર ચાર રસ્તા સુધી 150થી વધુ દબાણકારને સ્વેચ્છાએ સમય મર્યાદાની અંદર અતિક્રમણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે. અહીં દબાણોનાં કારણે માર્ગ સાવ સાંકડો થઈ ગયો છે, ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ ઉપરાંત આ માર્ગ અને ગાંધી માર્કેટ સહિતના વિસ્તારને આધુનિકતા આપવાનું આયોજન છે અને તેમાં દબાણો નડતરરૂપ છે એટલા માટે હાલના તબક્કે 150થી વધુને નોટિસ આપી છે અને ટૂંક સમયમાં અતિક્રમણ દૂર કરવાની  કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સૂત્રો કહી રહ્યા છે. 

Panchang

dd