• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

સૂર્યકાંત દેશના 53મા મુખ્ય ન્યાયમૂર્તિ

નવી દિલ્હી, તા. 30 : હરિયાણાનાં હિસારની નાની શેરીઓથી સર્વોચ્ય અદાલત સુધીની સંઘર્ષભરી સફર ખેડનાર જસ્ટિસ સૂર્યકાંત ભારત દેશના 53મા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૂર્યકાંતની ભારતીય ન્યાયતંત્રના સર્વોચ્ય પદ પર નિયુક્તિ કરી હતી. પેગાસસ પ્રકરણની તપાસ કરવાથી માંડીને બિહાર એસઆઈઆરની સુનાવણી સહિત અનેક મહત્ત્વના મામલામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર જસ્ટિસ સૂર્યકાંત 24મી નવેમ્બરના શપથ લેશે. મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ 23મી નવેમ્બરના નિવૃત્ત થશે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો કાર્યકાળ 14 મહિનાનો હશે. તેઓ નવમી ફેબ્રુઆરી 2027ના નિવૃત્ત થશે. તેમણે ન્યાયપાલિકાની 20 વર્ષની સેવામાં અનેક મહત્ત્વપૂર્ણ ફેંસલા આપ્યા હતા. હિસારનાં નાનકડાં પેટવાડ ગામમાં 10 ફેબ્રુઆરી, 1962ના જન્મેલા સૂર્યકાંતે પરિવારનું ગુજરાન ચલાવવા મદદરૂપે ખેતી પણ કરી હતી. રોહતકમાંથી 1984માં એલએલબી કર્યા બાદ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એલએલએમ એટલે કે, કાયદામાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2000માં હરિયાણાના સૌથી યુવાન એડવોકેટ જનરલ બનેલા જસ્ટિસ સૂર્યકાંત ડેરા સચ્ચા સોદાને પૂર્ણપણે સાફ કરવાનો આદેશ આપનાર ખંડપીઠના સભ્ય રહ્યા હતા. તમામ બાર એસોસીએશનમાં એક તૃતિયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત કરાઈ, તેનો યશ પણ જસ્ટિસ સૂર્યકાંતને અપાય છે. 

Panchang

dd