નલિયા, તા. 15 : અબડાસામાં
નલિયા ખાતે ટેકાના ભાવે બાજરી ખરીદીની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવાથી અનેક ખેડૂતોને બાજરાનો
જથ્થો અટકી ગયો હોવાથી ખેડૂતો પોતાના ટ્રેકટર કે અન્ય વાહનોની કતાર લગાવીને પરત ફર્યા
હોવાથી ખરીદીની મુદ્દત વધારવા વિવિધ સ્થળે રજૂઆત કરવામાં આવી હતી. અબડાસામાં બાજરીનું
પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને જેની છેલ્લી તા. 15-7 રાખવામાં આવી હતી. ખેડૂતોને સરકાર તરફથી સારા ભાવ મળી
રહે એ હેતુસાર અહીં કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને નલિયા મધ્યે ખેડૂતો પોતાના
ટ્રેકટરો મારફતે સવાર પડતાં જ આવી જતા હોય છે, પણ ખરીદી કેન્દ્ર
મોડું ચાલુ થતું હોવાથી અને અહીં મજૂરો પણ ઓછા હોવાથી અને એક ખેડૂતને આખો દિવસ લાગી
જતો હોય છે, તો કેટલાક ખેડૂતોએ આવી કામગીરીથી કંટાળી અન્ય જગ્યાએ
પણ પોતાના વેપાર કરી નાખ્યા છે. જાણવા મળ્યું કે, ઓનલાઇન અરજીથી
600 ખેડૂતોએ અરજી
કરી હતી, પણ હજુ પણ 200 જેટલા
ખેડૂતો હજુ પણ બાકી રહી ગયા છે અને તારીખ પૂર્ણ થઇ જતાં વેચાણથી વંચિત રહી ગયા છે.
ધરતીપુત્રોને નુકસાન ન થાય માટે જ્યાં સુધી બધાની પેદાશ લેવાઇ ન જાય ત્યાં સુધી આ કેન્દ્ર
ચાલુ રહે એવી માંગ જિલ્લા પંચાયતના સદસ્ય પુરુષોત્તમ મારવાડાએ કરી છે. અબડાસાના ધારાસભ્ય
અને સાંસદને પત્ર લખી રજૂઆત કરી હતી. બીજી બાજુ ખરીદીનાં કારણે હજી સુધી ત્રણસો જેટલા
ખેડૂતો પાસેથી બાજરી ખરીદ થઇ છે તેવી રજૂઆત તા.પં.ના ચેરમેન શિવજીભાઇ મહેશ્વરીએ કલેકટરને
લખેલા પત્રમાં જણાવ્યું હતું. હજી ત્રણસો જણથી ઉપરના ખેડૂતો પ્રતીક્ષાયાદીમાં બાકી
છે. 15 જુલાઇ સુધી ખરીદી થશે તેવું જણાવવામાં
આવ્યું છે, જેથી બાકીના ખેડૂતોની હાલત વિકટ થશે, બજારમાં બે હજારના ભાવે વેપારીઓ ખરીદતા નથી, ખેડૂતોની
એક મહિનો મુદ્દત વધારો થવા રજૂઆત છે, જેથી ખેડૂતોને નુકસાની ન
થાય તે ધ્યાને લઇ યોગ્ય થવા તેમણે અનુરોધ કર્યો હતો.