અમદાવાદ, તા. 15 (અમારા
પ્રતિનિધિ તરફથી) : બિસમાર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક
અને પાર્કિંગની સમસ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સૂનાવણીમાં આજે કોર્ટે
અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી
હતી. હાઇકોર્ટે ચીમકી આપતા જણાવ્યું કે, બેદરકાર અધિકારીઓ કાયદાનું
પાલન કરવાનું શીખી જાય નહીં તો હાઇકોર્ટ પોતાનો દંડો ઉગામશે. કોર્ટના હુકમના તિરસ્કારની
અરજી પર હાઈકોર્ટનું આ અવલોકન સામે આવ્યું હતું. હાઇકોર્ટે આદેશ આપ્યો કે, આગામી મુદ્દતે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી કરાશે. બેજવાબદાર
અધિકારીઓના કારણે કાયદાનું પાલન ન થાય તે ચલાવાશે નહીં. કોર્ટના સંખ્યાબંધ હુકમો બાદ
પણ સ્થિતિ વણસી હતી. તાજેતરના મીડિયા અહેવાલોની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને ગુજરાતનાં
વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. અત્યાર સુધીના પ્રગતિ અહેવાલ રિપોર્ટ રજૂ ન થયા હોવાથી
કોર્ટની નારાજગી સામે આવી છે.