ભુજ, તા. 15 : રાષ્ટ્રીય
કક્ષાની હિન્દી ન્યૂઝ ચેનલ અને પ્રાદેશિક કક્ષાની ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલના બે પત્રકારને
મહિને રૂા. 20 હજારની ખંડણી માગવાના ગુનામાં
આરોપી વાજીદ ચાકી (ભુજ) અને અલી ચાકી (નાના રેહા)ની પશ્ચિમ કચ્છની એલસીબીએ આ પંકાયેલા
પત્રકારોની ધરપકડ કરતાં કચ્છના મીડિયા ક્ષેત્રમાં ચકચાર પ્રસરી છે. ધાક-ધમકી સાથે ખંડણી
માગવાના આ ફિલ્મી ઢબના ચકચારી બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે, સેજવાળા માતમ પાસે રહેતા મોહંમદ હનીફ આમદ સમેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત
તા. 28/5ના તેમના દીકરા
રીહાબ તથા ઉદેલને રાતે એરપોર્ટ રોડ ઉપર અજડિયા ગેંગના છએક માણસે રોકીને લોખંડના પાઇપ
વડે માર માર્યો હતો. રીહાબે આ લોકોને ત્રણેક દિવસ પૂર્વે ફળિયા તથા મદરેસાની આજુબાજુ
આંટાફેરા અંગે કહેતાં તેના મનદુ:ખમાં માર્યા હતા. આ બાબતે તેમણે અને સામાપક્ષે પણ પોલીસમાં
ફરિયાદ આપી હતી. મારા દીકરાને અજડિયા ગેંગના માણસો હુમલો કરતા હતા, ત્યારે કહેતા હતા કે, વાજીદ ચાકીએ છૂટ આપી છે. આ લોકોને
મારવા જ છે. આ બનાવના 20-25 દિવસ
બાદ ફરિયાદીને વાજીદ રૂબરૂ મળતાં પૂછયું કે, તને મારા દીકરાઓથી શું તકલીફ છે
? તેના ઉપર હુમલો કરાવ્યો ? તેણે કહ્યું કે,
તું ખોટા ધંધા કરશ, તને અગાઉ પણ ચેતવણી આપી હતી.
તારે મને રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ ના પાડી, હું ખોટા ધંધા
કરતો નથી, કોઇ રૂપિયા આપીશ નહીં. આથી વાજીદે કહ્યું આ તો હજી
ટ્રેલર છે. હવે આખી ફિલમ બતાડીશ. મને તથા અલી ચાકી જે મારા ભેગો હોય છે અને તે પણ પત્રકાર
છે. અમે બંનેને તારે મહિને રૂપિયા આપવા પડશે. જો રૂપિયા નહીં આપે તો મારી એસએમસીમાં
ઓળખાણ છે. તારા પર દારૂ-જુગારના ખોટા કેસ કરાવીશ. મારા માણસો ખોટી અરજીઓ આપશે. તારા
છોકરા હમણા તો બચી ગયા, રૂપિયા નહીં આપે, તો માણસો દ્વારા ઉપડાવીને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. બાદમાં આ વાજીદ
અને અલીના અમુક અજાણ્યા શખ્સો તેઓના દીકરાઓનો પીછો કરતા હોવાની વાત દીકરાઓએ કરતાં તેઓ
સ્કૂલે પણ જતા ન હતા. આ ધાક-ધમકી સાથે ખંડણી અંગેના ગુના સબબ એલસીબીએ બંને આરોપી વાજીદ
અલસાદ ચાકી (ભુજ) અને અલીમામદ આરબ ચાકી (નાના રેહા)ને ઝડપી આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન
પોલીસને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. હિતેશ આર. જેઠી,
પીએસઆઇ જે.બી. યાદવની અલગ-અલગ ટીમમાંના એક ટીમમાંના હે.કો. નવીનભાઇ જોશી,
રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજિતસિંહ જાડેજા, કોન્સ. જીવરાજભાઇ ગઢવી, પરબતભાઇ ચૌધરી, કલ્પેશભાઇ ચૌધરી તથા બીજી ટીમમાંના હે.કો.
ધર્મેન્દ્ર રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનીલભાઇ
પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા કોન્સ. જયદેવસિંહ જાડેજા જોડાયા
હતા.