ભુજ, તા. 15 : શહેરના
હાર્દસમા એવા ઘનશ્યામનગર વિસ્તાર જે નગરપાલિકાની કચેરી પાસેનો જ વિસ્તાર છે, ત્યાં ગટરનાં વહેતાં પાણીનાં કારણે તળાવ જેવું દૃશ્ય સર્જાયું છે. રાહદારીઓ
રસ્તે ચાલી શકતા નથી, છતાં ગટરનું ગંદું પાણી બંધ થતું નથી. અહીંના
વેપારીઓ અને રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગટરની કુંડીમાંથી ગંદું પાણી નીકળ્યા રાખે છે ને જાહેર રસ્તા પર ભરાઇ જતાં
અમે ચાલી શકતા નથી. ઘરે જવામાં કે અમારી દુકાનોમાં ગ્રાહકોને આવવામાં ગંદાં પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. એક
અઠવાડિયાથી ગટરનું પાણી જાહેરમાં વહ્યા કરે છે, છતાં નગરપાલિકા
તંત્ર દ્વારા રિપેરિંગ કરવા કોઇ આવતું નથી. આ જાહેર રસ્તો છે. સતત આવન-જાવન રહે છે,
છતાં કોઇ પગલાં લેવાતાં નથી
અથવા નગરપાલિકાના તંત્રને ધ્યાને જતું નથી એ દુ:ખની વાત છે, એમ
જણાવાયું હતું. અહીં પગે આવ-જા કરતા લોકો પર વાહનોવાળા ગટરના પાણી ઉડાવતા જાય છે,
એવી હાલત છે. ગટરનાં પાણીથી તળાવ ભરાઇ ગયું હોય તેવી સ્થિતિ રસ્તા પર
સર્જાઇ છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ગટર રિપેરિંગ થાય તેવી માગણી
કરવામાં આવી હતી.