• બુધવાર, 16 જુલાઈ, 2025

અંતરજાળમાં દબાણોનાં કારણે સોસાયટીઓના રોડ પર ખતરો

ગાંધીધામ, તા. 15 : અંતરજાળમાં આવેલા વિદ્યા નગર, વિનાયક નગર, નંદ નગર, રાજ નગર, જગદંબા સહિતની સોસાયટીઓના રસ્તાઓ ઉપર વ્યાપક દબાણો થઈ ગયાં છે, તેના કારણે ચોમાસાં દરમિયાન અહીં વસાહત કરતા લોકોને અવરજવર કરવામાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દબાણથી રસ્તાના અસ્તિત્વ ઉપર ખતરો છે અને લોકો હેરાન થઈ રહ્યા છે જેને લઇને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એન્જિનીયર અને દબાણ શાખાની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જેમાં દબાણો સહિતની બાબતો સામે આવી છે અને લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ તંત્રને ધ્યાને આવ્યું છે. અહીં તત્કાલીન સમયે ડેવલોપરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે, જેના કારણે હાલના સમયે રસ્તાઓના સંદર્ભમાં માથાકૂટો થઈ રહી છે. આ વિસ્તારોના લોકો ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના સચિવને મળ્યા પછી મનપામાં રજૂઆતો કરી હતી. ટીમ પણ સ્થળ ઉપર ગઈ હતી, પરંતુ સમસ્યાનું સમાધાન આવ્યું નથી. આ વિસ્તારોના લોકો મંગળવારે ફરી મહાનગરપાલિકા પહોંચ્યા હતા. એન્જિનીયર દ્વારા નિરક્ષણ કરાયા બાદ સમસ્યાનું સમાધાન શું તે બાબતે ચર્ચા કરી કરી હતી, પરંતુ હાલના સમયે હલ દેખાતો નથી. લોકો હેરાન થાય છે, દબાણ હોવાનું સામે આવ્યું છે, રસ્તાઓના અસ્તિત્વ ઉપર ખતરો છે. લોકોની મુશ્કેલીઓ વધી રહી છે તેવા સમયે મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના સહયોગથી અહીં દબાણ ઉપર કાર્યવાહી કરીને લોકોની અવરજવર માટે રસ્તાઓ ખુલ્લા કરાવવામાં આવે તે આવશ્યક છે. તંત્ર પગલાં ભરે તેવી માંગ લોકોએ કરી હતી.

Panchang

dd