• બુધવાર, 16 જુલાઈ, 2025

આતંક મુદ્દે એસસીઓને અરીસો બતાવતું ભારત

બીજિંગ, તા. 1પ : વિદેશમંત્રી એસ. જયશંકરે પાંચ વર્ષમાં પોતાના પહેલા ચીન પ્રવાસ દરમિયાન આતંકવાદ પર પાકિસ્તાન ઉપરાંત એસસીઓને પણ મજબૂત સંદેશ આપ્યો છે. તેમણે એસસીઓ કાઉન્સિલની વિદેશ મંત્રીઓની  બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવા માટે પરસ્પર વિશ્વાસ પર આધારિત પ્રાદેશિક સહકારની તાત્કાલિક જરૂર છે. આતંકવાદ અને ઉગ્રવાદના પ્રતિકાર મુદ્દે એસસીઓએ કોઈ પણ જાતના સમાધાન વિનાનું અડગ વલણ અપનાવવું જોઈએ. જયશંકરે અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી અને સુધરતા દ્વિપક્ષી સંબંધો અંગે ચર્ચા થઈ હતી. જૂન 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ ચીનની આ તેમની પ્રથમ મુલાકાત છે. પહલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો હેતુ જમ્મુ અને કાશ્મીરની પ્રવાસન અર્થવ્યવસ્થાને નબળી પાડવાનો અને ધાર્મિક વિભાજન ઉભું કરવાનો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) પરિષદની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે પાકિસ્તાન, ચીન સહિતના દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે કહ્યું હતું કે, સભ્ય દેશોએ એસસીઓના મુખ્ય ઉદ્દેશો પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. કોઈપણ સમાધાન કર્યા વિના આતંકવાદ સામે કડક વલણ અપનાવવું જોઈએ. યુએન સિક્યુરિટી કાઉન્સિલે, જેમાંથી આપણામાંના કેટલાક સભ્યો પણ છે, તેણે એક નિવેદન બહાર પાડીને હુમલાની આકરી નિંદા કરી હતી. કાઉન્સિલે આ જઘન્ય આતંકવાદી કૃત્યના ગુનેગારો, આયોજકો, નાણાં આપનારાઓ અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાય અપાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટે એસસીઓની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણેય ઘણીવાર સાથે જોવા મળે છે. એસસીઓએ તેના મુખ્ય ઉદ્દેશો પ્રત્યે સાચા રહે તે જરૂરી છે. કોઈપણ સમાધાન કર્યા વિના આ પડકાર સામે મક્કમ વલણ અપનાવો. જયશંકરે એમ પણ કહ્યું હતું કે પ્રાદેશિક સહકારની તાત્કાલિક જરૂર છે. તે પરસ્પર વિશ્વાસ પર આધારિત હોવું જોઈએ. આનાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે.

Panchang

dd