ગાંધીધામ, તા. 15 : શહેરના ઓટોમોબાઈલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના માર્ગની ખસ્તા હાલત મુદ્દે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા આ સંકુલના સેકટર-9માં જીએસટી ભવનથી લઈને સી.જે.શાહ પેટ્રોલપંપ સુધીનો
માર્ગ ખખડધજ બન્યો છે. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, આ વિસ્તાર માત્ર ઓટોમોબાઈલ્સ-ટ્રાન્સપોર્ટ હબ નથી, પરંતુ
ગાંધીધામના સમગ્ર અર્થતંત્રને સજીવ રાખતી ધોરી નસ સમાન છે. આવા વ્યસ્ત વિસ્તારમાં માર્ગોની
હાલત બિસમાર હોય એ સ્થિતિ અનિવાર્ય રીતે વેપાર-ધંધાને અસર કરે છે. ચેમ્બરના પ્રયત્નો
શહેરના-વ્યવસાય માળખાંને ટકાઉ અને સુદૃઢ બનાવવાના હેતુથી રહ્યા હોઈ વેપારીઓની વાજબી
માંગને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરાઈ છે. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ હવે મહાનગરપાલિકા છે, ત્યારે રસ્તા,
સફાઈ અને આરોગ્ય સંબંધિત માળખાંકીય સુવિધાઓમાં વિકાસની નવી લહેર જરૂરી
છે અને એ જ દિશામાં મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત પ્રયાસો આદરાઈ રહ્યા છે જે પ્રસંશનીય
છે, ત્યારે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના અનેક વેપારીઓ રોજની મુશ્કેલીઓનો
સામનો ઘણા લાંબા સમયથી કરી રહ્યા હોઈ ચેમ્બર તરફથી આ પ્રશ્નને મહત્તમ પ્રાથમિક્તા આપી
યોગ્ય રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ ઓટોમોબાઇલ્સ
ડીલર્સ એસોસીએશનના પ્રમુખ સમીર ગણાત્રા અને સેક્રેટરી જિતેન્દ્ર હુંબલ સાથેના પ્રતિનિધિમંડળ
તરફથી ચેમ્બરને સત્તાવાર રજૂઆત મળતાં ચેમ્બરે શહેરના ઔદ્યોગિક વિકાસ અને નાગરિક સુવિધાની
દૃષ્ટિએ આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લેતાં ત્વરિત પગલાંરૂપે પાલિકા સમક્ષ લેખિત રજૂઆત
કરાઈ છે. વ્યાપારીઓના જણાવ્યા અનુસાર અગાઉ પણ અનેકવાર લોકલ તંત્રને રજૂઆત કરવામાં આવી
હતી છતાં કોઈ પ્રમાણભૂત કામગીરી થઈ નથી. ચેમ્બરે આ વિસ્તારના માર્ગની સ્થિતિ સત્વરે સુધારવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. ચેમ્બરના
માનદમંત્રી શ્રી તીથાર્ણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ રજૂઆત માત્ર વાહનવ્યવહાર માટે
નહીં, પરંતુ સમગ્ર શહેરના વિકાસ માટે બેહદ જરૂરી છે. ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રકચર
અને સ્વચ્છતા સાથેનો વિકાસ શહેરને વધુ સમૃદ્ધ અને વ્યવસાય અર્થે સમૃદ્ધ બનાવશે તેવુ
ઉમેર્યું હતું.