• બુધવાર, 16 જુલાઈ, 2025

રશિયા પાસેથી તેલ ખરીદે તેની ખેર નથી : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 1પ : દુનિયા સામે ટેરિફ યુદ્ધ છેડનારા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ ઉઠીને એક નવી ધમકી આપી રહ્યાં છે. યુક્રેન ઉપર રશિયાનાં વણથંભ્યા આક્રમણનાં કારણે ટ્રમ્પ અને રશિયા વચ્ચે ચાલતા વાક્યુદ્ધમાં હવે ભારત અને ચીન જેવા દેશો પણ પરોક્ષ રીતે લપેટાઈ ગયા છે. ટ્રમ્પે રશિયાને ધમકી આપી છે કે, જો પ0 દિવસની અંદર તે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નહીં થાય તો અમેરિકા રશિયા સામે 100 ટકા ટેરિફ ઝીંકી શકે છે. આટલું જ નહીં પણ ટ્રમ્પે આગળ ધમકી આપી હતી કે, રશિયા પાસેથી જે દેશ ઓઈલ ખરીદશે તેનાં ઉપર પણ પ0 ટકા ટેરિફ લાદવામાં આવશે. આમ, ટ્રમ્પનો ઈશારો રશિયા પાસેથી તેલ ખરીદતા ચીન અને ભારત તરફ હોવાનું મનાય છે. રૂસી વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોયે કહ્યું હતું કે, અમે (ટેરિફ માટે) નવા પ્રતિબંધોને લઈને તૈયાર છીએ. યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતે રશિયા પાસેથી સસ્તા દરે તેલની આયાત શરૂ કરી છે અને હવે રશિયા ભારતને સૌથી વધુ ઓઈલ નિકાસ કરી રહ્યું છે. આનાથી અમેરિકાને અકળામણ થઈ રહી છે અને અત્યાર સુધીમાં અનેકવાર ભારતને આડકતરી અને સીધી ધમકીઓ પણ આપી ચૂક્યું છે. જો કે ભારતે હજી સુધી અમેરિકા સામે મચક આપી નથી. તાજેતરમાં એકથી વધુ વખત ટ્રમ્પે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે પોતાનો રોષ ઠાલવેલો છે. ટ્રમ્પે કહેલું છે કે, પુતિને તેમને નિરાશ કર્યા છે અને કોઈપણ હિસાબે તે યુદ્ધ રોકી રહ્યા નથી. ટ્રમ્પ હવે રશિયા અને તેની પાસેથી ઓઈલ ખરીદતા દેશોને એવા ટાણે ધમકીઓ આપી રહ્યાં છે જ્યારે રશિયા ઉપર પ્રતિબંધ મૂકતું વિધેયક અમેરિકાની સેનેટમાં રજૂ કરાયું છે. આ બિલમાં એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે, રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 500 ટકા ટેરિફ લાદવો. એટલે કે, આ બિલના નિશાને સીધા ભારત અને ચીન છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકા ભારત અને ચીન થકી રશિયા ઉપર દબાણ લાવવા માગે છે.

Panchang

dd