• બુધવાર, 16 જુલાઈ, 2025

આદિપુરની રામબાગ હોસ્પિટલમાં 42 સ્ટાફ નર્સની નિમણૂક

ગાંધીધામ, તા. 15 : આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં સરકાર દ્વારા મહત્ત્વના 16 તબીબ બાદ હવે સ્ટાફ નર્સની નિમણૂક કરવામાં આવી છે, જેનાં પગલે આરોગ્ય સેવાઓમાં સુધારા આવવાની સંભાવનાઓ છે. લાંબા સમયથી જગ્યાઓ ખાલી પડી હતી અને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા પછી પણ સ્ટાફની ભરતી કરવામાં ઘણો સમય વીતી ગયો હતો ને હવે ધીરેધીરે તબીબો અને મેડિકલ સ્ટાફની નિમણૂક થઈ રહી છે. ગાંધીધામ સંકુલ અને પૂર્વ કચ્છ સ્વાસ્થ્ય સેવાઓ માટે મહત્ત્વની મનાતી આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં માળખાંકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી હતી, પરંતુ તબીબોની અને મેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉદાસીનતા જોવા મળી રહી હતી, પરંતુ આખરે સંસ્થાઓ અને જાગૃતોની વારંવારની રજૂઆતો પછી સરકાર દ્વારા તબીબો અને સ્ટાફની નિમણૂક કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા બે ફિઝિશિયન, સ્કીન સર્જન, રેડિયોલોજિસ્ટ, મનોચિકિત્સક, પેથોલોજી, સર્જન, માઇક્રોબાયોલોજી, ત્રણ મેડિકલ ઓફિસર સહિત 16 તબીબની નિમણૂક કરવામાં આવી હતી. જો કે, હજુ દસ તબીબની જગ્યાઓ ખાલી પડી છે. હવે સરકાર દ્વારા રામબાગમાં 42 સ્ટાફ નર્સની નિમણૂક કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી આ જગ્યાઓ ખાલી હતી. દૈનિક લગભગ ઓપીડી 700એ પહોંચી રહી છે, તેવામાં સ્ટાફ ઘટ મોટી સમસ્યા હતી. વારંવારની રજૂઆતો હતી. સ્વાસ્થ્ય સેવાઓ ઉપર ગંભીર અસર પડી રહી હતી. આ મેડિકલ સ્ટાફની નિમણૂકથી સ્વાસ્થ્ય સેવાઓ સુદૃઢ બનશે તેવું નિષ્ણાતોએ કહ્યું હતું.

Panchang

dd