ભુજ, તા. 15 : પ્રવર્તમાન
ચોમાસામાં ભુજ નગરપાલિકાની ટીમે વરસાદી ધોવાણગ્રસ્ત રસ્તાઓના તત્કાળ અને ત્વરિત સમારકામ
માટે કટિબદ્ધતા દેખાડી છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપાસિંહ
જાડેજા, દંડક રાજેશભાઈ ગોર તેમજ સત્તાપક્ષના નેતા કમલભાઈ ગઢવી
દ્વારા વિવિધ શાખાઓના ચેરમેનઓ સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવી જેમાં જે તે શાખાના ઇન્ચાર્જ
અધિકારીને પણ હાજર રાખીને મુખ્યત્વે ગટર, રોડલાઈટ તેમજ રસ્તાઓ
પરના ગાબડાઓ યુદ્ધના ધોરણે પૂરી મોટી સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવા ઠરાવાયું
હતું. શહેરના વિવિધ રસ્તાઓના ઝડપી રિપારિંગ માટે બાંધકામ સમિતિ સાથેની બેઠકમાં બાંધકામ
સમિતિના ચેરમેન દિવ્યરાજાસિંહ જાડેજા સાથે જરૂરી પરામર્શ કરાયા બાદ તાકીદના ધોરણે પગલા
લેવાનું સંયુક્તપણે નિર્ધારિત કરાયું હતું. વધુ વિગતો આપતા બાંધકામ સમિતિના ચેરમેન
દિવ્યરાજાસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું વહેલામાં
વહેલી તકે તાબડતોબ પુરાણ કરવા બાંધકામ શાખા સહિત ભુજ નગરપાલિકાના સર્વે જવાબદાર હોદેદારો
પૂર્ણપણે સંકલ્પબધ્ધ છે. મેઈન ડામર રોડ પર જ્યાં ખાડાઓ પડ્યા છે ત્યાં `વેટ મિક્ષ' મટીરિયલ તેમજ શેરીઓ તેમજ સોસાયટી વિસ્તારના
આંતરિક માર્ગો પર જ્યાં જ્યાં ખાડાઓ પડેલ છે તે તમામ જગ્યાઓ પર કોંક્રિટથી ભુજ નગરપાલિકા
દ્વારા પેચવર્ક કરવામાં આવશે. મુખ્ય માર્ગો પર ખાડાઓનું સમારકામ ચાલુ થઇ ગયું છે ત્યાર
બાદ દરેક વોર્ડની આ પ્રકારે રિપારિંગ માંગતી શેરીઓની યાદી બનાવવા માટે પણ અગિયારે અગિયાર
વોર્ડના વોર્ડનને સૂચના આપી દીધી છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયત્નોથી મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભુજ શહેરના 40 કિલોમીટર
જેટલા મુખ્ય માર્ગોને આર એન્ડ બી વિભાગને સોંપવાનો હુકમ કર્યો છે જેમાં હાલ 14 કિલોમીટરના માર્ગો માટેની ટેન્ડારિંગ પ્રક્રિયા ચાલુમાં
છે.