નલિયા (તા. અબડાસા), તા. 15 : નલિયા-ભુજ હાઇવેથી નજીક આવેલા બાલાચોડ ફોટ મહાદેવ મંદિરે
અંદાજે એક હજાર જેટલા દર્શનાર્થીઓ તથા સહેલાણીઓએ મુલાકાત લેતાં સ્વયંભૂ મેળા જેવો માહોલ
સર્જાયો હતો. સારા વરસાદને પગલે ઝરણા અને નાના ધોધ પ્રવાહનો નજારો જોવા મળ્યો હતો.
ચોમાસાની શરૂઆતે જ ફોટ મહાદેવ મંદિર આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠયું છે, ગયા સપ્તાહે અનરાધાર વરસાદને કારણે ટેકરીઓ પરથી વહેતા ઝરણા અને પાણીના નાના-મોટા
ધોધે શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ દૃશ્યોનો લહાવો લેવા જિલ્લાભરમાંથી સહેલાણીઓ
ફોટ મહાદેવની મુલાકાતે આવ્યા હતા. લીલીછમ વનરાજી અને તેમાં કલરવ કરતા પક્ષીઓનો અવાજ
પ્રવાસીઓ માટે એક અળમોલ અનુભવ બની રહેતો હોવાનું
પ્રાયુષ જોશીએ જણાવ્યું હતું. પરિવાર અને મિત્રો સાથે આવેલા સહેલાણીઓએ પાણીના
પ્રવાહમાં ભીંજાઇને તસવીરો ખેંચીને પ્રકૃતિની ગોદમાં શાંતિ અને આનંદ માણ્યા હતા. બાળકોએ
પણ પાણીમાં છબછબિયા કરી ખુશી મેળવી હોવાનું ઉમેર્યું હતું. જો કે, વરસાદી માહોલમાં પાણીનો પ્રવાહ તેમજ પથ્થરો પણ શેવાળ હોવાથી લપસી જવાની સંભાવના
રહેતી હોય છે. સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર સમિતિ દ્વારા સહેલાણીઓને સાવચેત રહેવા
અપીલ કરાઇ હતી. સાવધાની હેતુ સુરક્ષિત અંતર જાળવવા સૂચનો સાથે બોર્ડ પણ લગાવાયા છે,
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અકસ્માતે આશાસ્પદ
યુવાનના મૃત્યુની ઘટના બની હોવાથી સલામતીપૂર્વક પ્રવાસ માણવા તાકીદ કરાઇ હતી.