ભુજ, તા. 15 : રાષ્ટ્રીય
પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કચ્છને ખરવા મોવાસા રોગમુક્ત કરવાના હેતુથી વિભાગીય
સંયુક્ત પશુપાલન નિયામક, બનાસકાંઠા ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિય
દ્વારા કચ્છ, પાટણ તેમજ મોરબી જિલ્લાના પશુપાલન ખાતાના અધિકારીઓ
સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં ખરવા મોવાસા રોગમુક્ત
કરવા માટે લેવાનાં થતાં વિવિધ પગલાંઓ અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ વાયરસથી થતો અત્યંત
ચેપી રોગ છે, જેમાં પશુઓમાં મૃત્યુનો દર નહિવત છે, પરંતુ પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જિલ્લા સીમાની આજુબાજુ આવેલા
બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર એમ કુલ પાંચ જિલ્લાને બફર ઝોન તરીકે
જાહેર કરાયા છે. આંતર જિલ્લા પશુ હેરફેર નિયંત્રિત કરી શકાય તે માટે રાજમાર્ગો,
રસ્તાઓ વૌવા તા. સાંતલપુર જિ. પાટણ તથા હરિપર તા. માળિયા જિ. મોરબી એમ
કુલ ત્રણ સ્થળે ચેકપોસ્ટ અને ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવાનાં આયોજન અંગે ચર્ચા કરાઈ
હતી. જિલ્લામાં વેક્સિન સ્ટોરેજ અને કોલ્ડ ચેઇનની જાળવણી માટે માળખાંકીય સુવિધાઓ અંગે
યોજના કરાઈ હતી. વિભાગીય નિયામક દ્વારા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની
મુલાકાત લઈ યોજના વિશે વિગતવાર માહિતી આપી હોવાનું જણાવાયું હતું.