ભુજ, તા. 15 : ગુરુપૂર્ણિમાના
દિવસે કોડકી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના મુખ્યાલય ખાતે સીમા જાગરણ મંચ અને સેવા સાધના-
કચ્છના માધ્યમે મૂળ માનકુવાના હાલે કેન્યાના મોમ્બાસા સ્થિત મનજી નારણ ગોરસિયા પરિવારના
આર્થિક સહયોગથી સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ એવી માનકુવાની રાજણ વાડીની દેશી ખારેકની અર્પણવિધિના
એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બીએસએફ કમાન્ડન્ટ સુરિન્દરસીંઘએ જણાવ્યું
હતું કે, કચ્છના લોકોનો જવાનો પ્રત્યેનો લગાવ અદભુત છે અને રાષ્ટ્રની
સેવા માટે કટિબદ્ધ સીમા જાગરણ મંચ જેવાં સંગઠનો દ્વારા સમયે સમયે થતા આ પ્રકારના અનૌપચારિક
આયોજનોથી સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાંથી ફરજ બજાવતા જવાનો અને નાગરિકો વચ્ચે આત્મીયતા
સાથે પોતાપણાનો ભાવ વધુ મજબૂત બને છે. પશ્ચિમ ભારતને બાદ કરતાં દેશના દૂરદૂરના અનેક
રાજ્યમાંથી આવતા મોટાભાગના જવાનો ખારેકને ઓળખતા પણ નથી હોતા, ત્યારે કચ્છની સરહદે દરેક ચોકીઓ સુધી કચ્છી મેવાની આ મીઠાશ પહોંચે તે માટે
ખારેકનો એક હજાર કિલો જેટલો મોટો જથ્થો અર્પણ કરાયો હતો. સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર
પ્રાંત સંયોજક હિંમતાસિંહ વસણએ જણાવ્યું હતું કે, કચ્છ જેવા અતિ
દુર્ગમ વિસ્તારમાં રાષ્ટ્ર રક્ષા માટે તત્પર જવાનોની અદભુત સેવાની નોંધ લેવા સાથે સમાજના
સથવારે તેમને કોઈ પણ પ્રકારની આવશ્યકતામાં સહયોગ માટે મંચ હંમેશાં તત્પર રહેશે. બીએસએફના
અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જવાનો સાથે સીમા જાગરણ મંચ-કચ્છના અધ્યક્ષ
ખાનજી જાડેજા, સેવા સાધનાના ટ્રસ્ટી નારણભાઈ વેલાણી જયદીપાસિંહ
ગોહિલ, મૌલિક બોરોટ, પ્રદીપ જોષી અને રમેશ
કારા ઉપસ્થિત રહ્યા હતા તેવું રામજી વેલાણીની યાદીમાં જણાવાયું હતું.