મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 9 : જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા
આ શહેર સંકુલમાં રાજ્ય અને કેન્દ્રની અનેક સરકારી કચેરીઓ આવેલી છે. શિપિંગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી ધમધમતા સંકુલમાં શનિવાર,
રવિવારે મોજમસ્તી માટે કર્મચારીઓ, વેપારીઓ બિલાડીના
ટોપની જેમ ફૂટી નીકળેલા બોક્સ ક્રિકેટમાં સમય પસાર કરવા જતા હોય છે. હાલમાં સુરત ખાતે વરસાદી માહોલ વચ્ચે બોક્સ ક્રિકેટનું
માળખું પડી જતાં આવા બોક્સ ક્રિકેટના પ્લોટ ચર્ચાની એરણે ચડયા છે. આ સંકુલમાં 25થી 30 જેટલા બોક્સ ક્રિકેટના પ્લોટ છે. વ્યાપારિક પ્રવૃત્તિ કરતા આવા
બોક્સની મંજૂરીને લઈને પ્રશ્નો સર્જાયા છે. કઈંક આવી જ સ્થિતિ કચ્છના અન્ય શહેરોમાં
પણ છે. સુરતમાં વરસાદમાં બોક્સ ક્રિકેટનું માળખું પડી જતાં રાજ્યની સાથે ગાંધીધામમાં
પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બોક્સ ક્રિકેટની મંજૂરીને લઈને પ્રશ્નો સર્જાયા
છે. આ સંકુલમાં 25થી 30 ખાલી પ્લોટમાં લોખંડની ઝાળી
ઊભી કરી નીચે પાથરણા પાથરી અને ગ્રાહકો (ક્રિકેટના શોખીનો) પાસેથી એક કલાકના રૂા. 1200થી 1400 ઉસેડવામાં આવે છે, જેમાં આઠ ખેલાડી રમી શકે છે. બોક્સ ક્રિકેટની
વધતી ઘેલછા વચ્ચે અનેક લોકોએ કમાઈ લેવાની લ્હાયમાં આવા બોક્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. બોક્સ ક્રિકેટ અંગે હાલમાં કોઈ એસ.ઓ.પી.
નથી, પરંતુ તે જાહેર કરવી અત્યંત જરૂરી બની ગયું છે. અમદાવાદમાં
તેની પહેલ થઈ છે. અન્ય સ્થળો માટે પણ માર્ગદર્શિકા આવકાર્ય છે. આવા ખુલ્લા પ્લોટમાં
વીજજોડાણ કેવી રીતે આપ્યું તે પણ પ્રશ્ન ઊભો થયો છે. વ્યાપારિક પ્રવૃત્તિ કરતા બોક્સના
સંચાલકો ક્રિકેટપ્રેમીઓને કોઈ રસીદ આપતા નથી, ખરેખર સેવા આપવા
બદલ સર્વિસ ટેક્સ ભરવો પડે તેમ છે, પરંતુ અહીં આવા કોઈ પણ નિયમો
લાગુ ન પડતા હોવાનું જાણકાર લોકોએ જણાવ્યું હતું. બીજી બાજુ ખાલી પ્લોટ બતાવીને મહાનગરપાલિકામાં
વેરા પણ ઓછા ભરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. વ્યાપારિક પ્રવૃત્તિ, લોખંડની ઝાળીનું બાંધકામ વગેરે અંગે મહાનગરપાલિકા આકારણી કરી વેરા વસૂલે,
તેવું પણ જાણકારો જણાવી રહ્યા છે. આકારણીના અભાવના કારણે મહાનગરપાલિકા
ખુદની તિજોરી ઉપર પણ અસર પહોંચે છે. સુરતમાં બનાવ બાદ સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા ટૂંકાગાળામાં નિયમો જાહેર કરવામાં આવનારા છે, જે અંગે વાંધા સૂચનો પણ મગાવી સરકારને મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ છે. ખરેખર
આવા બોક્સ ક્રિકેટમાં મહિલાઓ, પુરુષો માટે શૌચાલય, ફાયર એન.ઓ.સી., અમુક હદ કરતાં વધારે ઊંચી ઝાળી ન હોવી,
રમવા આવતા ગ્રાહકોના વાહનો યોગ્ય રીતે પાર્ક થાય તે માટે પાર્કિંગ વ્યવસ્થા,
સુરક્ષા અર્થે સીસીટીવી કેમેરા વગેરે લગાવી લોકોની સુરક્ષાને સઘન બનાવવી
જોઈએ, તેવું જાણકાર લોકો જણાવી રહ્યા છે. અમદાવાદ, સુરતમાં નિયમો લાગુ કરાયા બાદ અહીં પણ કરાશે કે કેમ તે પ્રશ્ન છે.