ભુજ, તા. 9 : પરંપરા અને ગૌવિજ્ઞાનને સાથે
જોડી હકારાત્મક અભિગમ સાથે કામ કરવામાં આવે તો ગૌ અને ગૌવંશનાં ક્ષેત્રમાં ઘણું બધું
કામ થઇ શકે તેમ છે તેવું દેશની સૌપ્રથમ દેશી ગૌવંશ વિશ્વવિદ્યાપીઠમના કુલપતિ ડો. હિતેશભાઈ
જાનીએ જણાવ્યું હતું. અજરામર ટ્રસ્ટ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં પોતાનાં વક્તવ્યમાં
વધુમાં બોલતાં ડો. જાનીએ કચ્છના પશુપાલકો અને ગૌસેવા સાથે સંકળાયેલ સંસ્થાઓના કાર્યોની
પ્રસંશા કરી હતી. તેમણે ગૌસંરક્ષણ અને ગૌસંવર્ધન ક્ષેત્રે સૌના સહિયારા પ્રયાસો અને
રચનાત્મક અભિગમ સાથે આગળ વધી સારું કાર્ય કરવાની ખેવના દર્શાવી હતી. કાર્યક્રમના પ્રારંભે
સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં
આવ્યું હતું, સંસ્થા વતી વિનોદભાઈ ગાલાએ
આવકાર આપ્યો હતો. અજરામર ટ્રસ્ટ દ્વારા ડો. જાનીનું સન્માન કરવામાં આવ્યું હતું. અજરામર
ટ્રસ્ટ ગૌવંશ સેવાધામ પ્રકલ્પના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના બે સભ્ય મનોજભાઈ સોલંકી અને
જાદવજીભાઈ ગોરસિયાની દેશી ગૌવંશ યુનિવર્સિટીના સલાહકાર બોર્ડમાં સભ્ય તરીકે નિમણૂક
થઇ છે. આ બંને સભ્યને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનપદેથી કચ્છ યુનિવર્સિટીના
કુલપતિ મોહનભાઈ પટેલે કચ્છમાં સંસ્થાઓ વિવિધ ક્ષેત્રે જે રીતે કાર્ય કરી રહી છે તેની
સરાહના કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલક હિંમતાસિંહ વસણે કાર્યક્રમના
અધ્યક્ષસ્થાનેથી ગૌવંશ યુનિવર્સિટીમાં મૂળ કચ્છી એવા કુલપતિ સહિત બે કચ્છના સભ્યને
નિયુક્ત કર્યા એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. દેશી ગૌવંશ યુનિવર્સિટીના સભ્ય મનોજભાઈ સોલંકીએ
ગૌસેવા ક્ષેત્રે ઘણું કામ થઈ રહ્યું છે અને હજુ વધુ કામ થઇ શકે તેમ કહ્યું હતું. ડો.
શૈલેન્દ્ર ચતુર્વેદી અને માલશ્રીબેન ગઢવીએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. અભિવાદન કાર્યક્રમમાં અજરામર ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સંસ્થાઓ સીમા જાગરણ
મંચ સૌરાષ્ટ્ર પ્રાંત, કચ્છ કલ્યાણ સંઘ, ગુજરાત ગૌસેવા સંઘ, આયુષ સેવા સંસ્થાન લખપત, અખિલ ભારત યોગ વિદ્યા એવમ પ્રાકૃતિક જીવન સંઘ, સ્વદેશી
ઉત્થાન સમિતિ, કચ્છ પર્યાવરણ સંઘ, ભારતીય
માનવસેવા સંસ્થાન, ઈનરવ્હીલ ક્લબ લોટસ માધાપર તેમજ ભરતભાઈ સોની,
રમાકાંત ટેવાણી, શૈલેશ જાની, દર્શનભાઈ રાવલે સન્માન કર્યા હતા. સંચાલન ટ્રસ્ટી મયૂર બોરીચાએ અને આભારવિધિ
સભ્ય મનસુખભાઈ શાહે કરી હતી. સંસ્થાના ટ્રસ્ટીઓ
મીના બોરીચા, નરેન્દ્ર કચ્છી, દીપક મહેતા,
નીલેશ મહેતા, સભ્યો અતુલભાઈ જોશી, વિજય વોરા, શૈલેશ જાની, ભરતભાઈ
જે. ગોર, ચાર્મીબેન, અર્પીબેન ઠક્કર,
મયંકભાઈ અને ધ્યાન ઠક્કર સહયોગી બન્યા હતા.