કેરા (તા. ભુજ), તા. 9 : શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે મોટું પ્રદાન આપનાર નારાણપરના
વેલબાઇ ધનજી વરસાણીની અંતિમયાત્રા બુધવારે સાંજે ચાર વાગ્યે યોજાઇ ત્યારે નિષ્કામ કર્મનો
પ્રતિભાવ આપતાં વિવિધ સમાજોના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. નૂતન સરસ્વતી વિદ્યાલયના
છાત્ર-છાત્રાઓ શાળા પાસે કતારમાં ઊભી પુષ્પવૃષ્ટિ કરી હતી, તો
માતૃશ્રી આર.ડી. વરસાણીના કુમારોએ પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કરી ભવિષ્ય કંડારવામાં
ઉદારતાથી દ્રવ્યદાન આપનાર વેલબાઇ બહેનને અંતિમ વિદાય આપી હતી. બાજુના કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટની
છાત્રાઓ ઉપપ્રમુખ ડો. દિનેશ પાંચાણી, મંત્રી વસંત પટેલ અને સમગ્ર
શૈક્ષણિક સ્ટાફ સાથે સદ્ગતની વંદના કરી હતી,
તો કચ્છી લેવા પટેલ ભુજ સમાજ વતી ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા,
કેશરાભાઇ પિંડોરિયા, સમાજ મંત્રી કરશનભાઇ મેપાણી,
રમેશ વરસાણી સહિતના જોડાયા હતા. બ્રહ્મસમાજના ભરત ગોર, રબારી સમાજ વતી રાજાભાઇ રબારી, ગોસ્વામી સમાજ,
સોની, દરજી, મેઘવાળ,
મુસ્લિમ, ક્ષત્રિય સહિત સનાતન સમાજોના આગેવાનોએ
`સર્વજન સુખાય સર્વજન હિતાય' માટે આયખું ખર્ચનાર પરિવાર સાથે રહી સ્વજન સરીખો પ્રેમ આપ્યો હતો. નારાણપરના રામજીભાઇ
સેંઘાણી, નાનજીભાઇ પિંડોરિયા, વેલજીભાઇ
પિંડોરિયા, સ્વામિનારાયણ મંદિર વતી શિવજીભાઇ વેકરિયા,
રામજીભાઇ વેકારિયા, યુવા અગ્રણી હરીશભાઇ સૂર્યવંશી,
બહોળી સંખ્યામાં મહિલાઓએ પ્રેરક નારીશક્તિના અંતિમ દર્શન કર્યા હતા. ગુરુવારે સવારે 7-30થી નારાણપર (રાવરી) લેવા પટેલ
સમાજવાડી ખાતે વેલબાઇ માની જાહેર પ્રાર્થનાસભા
યોજાઇ છે.