અમદાવાદ, તા. 9 : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના
આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને
પ્રસારના કેન્દ્ર સ્વામિનારાયણ મંદિર-કલ્ચરલ સેન્ટરનો પ્રતિષ્ઠા મહોત્સવ અમેરિકાના
મારફીસબોરો ટેનેસી ખાતે દબદબાભેર દેશ-વિદેશના હરિભક્તો-મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઊજવાયો.
પંચ દિવસીય મહોત્સવમાં મહાપૂજા, ભક્તિ
સંગીત, રાસોત્સવ, વિશ્વશાંતિ યજ્ઞ, વિવિધ ગ્રંથોની પારાયણ, રંગોત્સવ, ભવ્ય અન્નકૂટ, મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો
યોજાયા હતા. આ મહોત્સવને ભારતના વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિના
જગદગુરુ અવિચલદેવાચાર્યજી વગેરેએ શુભેચ્છા પાઠવી હતી. સ્વામિનારાયણ મહામંત્રનું કરોડની
સંખ્યામાં લેખન કાર્ય કર્યું હતું, જેને મંદિરના મંત્રમંડપમાં
પધરાવ્યા હતા. મહોત્સવમાં રઘરફોર્થ કાઉન્ટીના કાઉન્ટી મેયર જો કાર, શેરીફ માઇક ફીઝોફ, ડેપ્યુટી શેરીફ, ઈમર્જન્સી મેનેજમેન્ટ ડિરેક્ટર ક્રીસ ક્લાર્ક સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત
રહીને જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાંતિપ્રિય છે, જેણે આજે મહોત્સવ ઊજવી રાજ્યની
ગરિમા વધારી છે. ભારતીય સ્થાપત્યકલાને ઉજાગર કરતું શિખરબંધ મંદિર, કલ્ચરલ સેન્ટર એ ભારતીય સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર કેન્દ્ર બનતાં સમગ્ર
જીવસૃષ્ટિના કલ્યાણમાં યોગદાનરૂપ બન્યું છે.
મહંત સદ્ગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામીએ મંદિર બાંધકામની વિગતો આપતાં જણાવ્યું
હતું કે, સંકુલનું નિર્માણ 36,437 સ્કવે. ફૂટ થયું છે, જેમાં બેન્ક્વેટ હોલ, કિચન, મંદિર હોલ, પાર્કિંગ,
લોબી છે. આખું સંકુલ 15.85 એકર ભૂમિમાં પથરાયેલું છે.
અંદાજે 13 લાખ ડોલરના ખર્ચે નિર્માણ પામ્યું
છે. આ પાવનકારી અવસરે આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપેલી આજ્ઞા
અન્વયે સર્વ જીવનું કલ્યાણ થાય તેવો સંદેશ ફેલાવવાનું કાર્ય અમે બધા સાથે મળીને કરી
રહ્યા છીએ.