• મંગળવાર, 01 જુલાઈ, 2025

`કસ'વાળી ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે `રસ' જાગ્યો

ભુજ, તા. 15 : કચ્છની 166 સામાન્ય ગ્રામ પંચાયત અને 241 ગામમાં ક્યાંક સરપંચ પદ તો ક્યાંક સભ્યપદની પેટાચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે અત્યાર સુધી સાવ સામાન્ય ગણાતી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ જાણે વિધાનસભા જેવો ક્યાંક માહોલ સર્જાય છે. કેમ કે, અમુક ગામોમાં આવતી પવનચક્કીઓના `કસ'નાં કારણે સરપંચ પદ માટે પણ હવે `રસ' જાગી રહ્યો છે. નાનકડાં ગામમાં સરપંચ પદ એટલે કાંટાળો અને જવાબદારી ભરેલો તાજ હોવાથી ગામના સુકાની માટે ગ્રામજનોની સંયુક્ત બેઠક યોજાય અને એક સારા માણસની સરપંચ પદ માટે પસંદગી થઈ જતાં મોટાભાગે બિનહરીફ અને હવે સમરસનું નામ આપવામાં આવ્યું છે. સમય બદલતાં હવે સરપંચ પદ માટે પણ જાણે પડાપડી થતી હોય છે, સમરસ ગામ થાય તો સરકારે મોટી ગ્રાંટ ફાળવી હોવા છતાં ચુનાવી સ્થિતિ ઊભી થાય છે. એક સમયે ગ્રામજનો જેને મુખિયા બનાવે એ મુખિયાની વાતો આખું ગામ માનતું, પણ હવે સરપંચની ચૂંટણી થાય તો ગામમાં ચૂંટણીના વેર-ઝેર ઊભા થઈ જતાં હોવાના કિસ્સા બની રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓને હવે અનેક સત્તાઓ આપી દેવામાં આવી હોવાથી કાંટાળા તાજ કરતાં કમાવવાનું સાધન ક્યાંક મળી જતું હોવાનું માનવામાં આવે છે. તેમાંય `મલાઈ'વાળાં ગામોમાં ભારે રસાકસી સર્જાતી હોય છે. કચ્છમાં આ વખતે મોટા પ્રમાણમાં  પવનચક્કીઓ આવી છે અને આવવાની તૈયારીમાં પણ છે. જે ગ્રામ પંચાયતના મુખિયાને વધારે કસ છે એટલે કે લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે. કારણ કે, પવનચક્કીના પુરજા લઈ જવા પ્રથમ પ્રયાસે જે વિસ્તારમાં લીલી ઝાડી હોય તેનું નિકંદન પ્રથમ પંચાયતના મુખિયાની સહમતિથી પસાર થાય, પછી રસ્તા બનાવવામાં પણ સરપંચ સર્વોપરી હોય છે. કોઈ વચ્ચે રસ્તા અટકાવે તો પાછી વાત સરપંચ પાસે આવે અને થાય પતાવટ... સરપંચ કે ચ્યો તડે પત્યો, પણ આમા ખાલી મધ્યસ્થી કરવા સરપંચને મલાઈ મળે છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું નહીં પવનચક્કીઓ લગાવાય, વીજપોલ, વીજવાયર નાખવાના પણ ભાવ બોલાતા  હોય છે. પડતર જમીનમાં પવનચક્કી આવે તો થોડી પંચાયતને મલાઈ અને વધુ સરપંચ... કારણ કે, એક પવનચક્કીના રૂા. 8થી 10 લાખ મળે છે તો થાંભલાના પણ પાંચથી સાત લાખ અને જે ખેતરમાંથી વાયરો નીકળે તો પાછી સરપંચ પાસે વાત આવે પતાવટની. ભલે આંજો કમ થઈ વેંધો, જેના ખેતરમાં વાયર નીકળતો હોય તેને દોઢ લાખ કે પચાસ કે પંચોતેર હજાર સરપંચના ગજવામાં અને જે પવનચક્કીના પુરજા રાખવાના સ્ટોર બને તેમાં પણ મહિને 40થી 50 હજાર ભાડાં પેટે મળે અને આવા સ્ટોર 10થી વધારે ભાડાંકરારે હોય તેમાં પણ પંચાયતના મુખિયાની મલાઈ તો ખરી જ. મળેલી માહિતી પ્રમાણે જ્યાં પવનચક્કીઓ સ્થપાય ત્યાં સુધી જાણે સીમતળ કે ગામતળ આવતી પડતર જમીનો માટે પણ સરપંચને સાચવવો પડે છે. એટલે તે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ પવનચક્કીઓના કસનાં કારણે ઉમેદવારી લઈ રહ્યા છે... અમુક સરપંચો સ્કોર્પિયો, ફોર્ચ્યુનર જેવી 30-40 લાખની ચમકદાર કારમાં ફરી રહ્યા છે. આગળ નંબર પ્લેટ લાલ રંગની હોય છે, સરપંચ લખેલું હોય છે. પહેલાં સરપંચ એટલે સેવાદાર ગણાતા હતા, પણ હવે ગામડાંની ચૂંટણી રસપ્રદ બની રહી છે અને સરપંચો સમાધાન માટે અરજદારો પોતાની પાસે આવે અને પછી જ પતાવટ થાય એવા ચોગઠા પણ ગોઠવાતા હોય છે. 

Panchang

dd